CWG 2026માં ભારતીય મહિલા બોક્સરોનો દબદબો, માત્ર 30 મિનિટમાં પ્રીતિ અને જાસ્મિને જીત્યા 2 ગોલ્ડ મેડલ


CWG 2026માં ભારતીય મહિલા બોક્સરોનો દબદબો, માત્ર 30 મિનિટમાં પ્રીતિ અને જાસ્મિને જીત્યા 2 ગોલ્ડ મેડલ


CWG 2026 India Boxing Gold: કોમનવેલ્થ ગેમ્સ (CWG) 2026માં ભારતીય મહિલા બોક્સરોએ શાનદાર પ્રદર્શન કરીને દેશનું ગૌરવ વધાર્યું છે. માત્ર 30 મિનિટના અંતરે પ્રીતિ પવાર અને જાસ્મિન લાંબોરિયાએ બે ગોલ્ડ મેડલ જીતીને ભારતને ઐતિહાસિક સફળતા અપાવી છે.
સૌપ્રથમ 54 કિલો વજન વર્ગમાં પ્રીતિ પવારે કેનેડાની સ્કાર્લેટ સવાના ડેલગાડોને એકતરફી મુકાબલામાં 5-0થી હરાવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. પ્રીતિએ ત્રણેય રાઉન્ડમાં શાનદાર રમત બતાવી અને તમામ જજોના સંપૂર્ણ ગુણ મેળવી જીત નોંધાવી. પ્રીતિએ આ પહેલા રાઉન્ડ ઓફ-16માં માલાવીની ડેબોરા મ્ટેંઝેને હરાવી હતી. ત્યારબાદ ક્વાર્ટર ફાઇનલમાં નોર્ધન આયર્લેન્ડની નિકોલ ક્લાઇડ અને સેમિફાઇનલમાં ઝામ્બિયાની કેથરીન મ્વાપેને 5-0થી પરાજય આપીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
ત્યારબાદ 57 કિલો વજન વર્ગમાં જાસ્મિન લાંબોરિયાએ નોર્ધન આયર્લેન્ડની મિશેલા વૉલ્શને 5-0થી હરાવી ભારતને વધુ એક ગોલ્ડ મેડલ અપાવ્યો. જાસ્મિને શરૂઆત બાદ જ પોતાની આક્રમક રમતથી વિરોધી બોક્સર પર દબાણ જમાવ્યું અને નિર્ણાયક રાઉન્ડમાં સંપૂર્ણ પ્રભુત્વ સાથે મેચ જીતી લીધી.
આ પહેલા જાસ્મિને ક્વાર્ટર ફાઇનલમાં ઇંગ્લેન્ડની એલીસ ગ્લિનને 4-1થી અને સેમિફાઇનલમાં લેસોથોની રાપેલેંગ માસેલેલાને 5-0થી હરાવી હતી. આ બે ગોલ્ડ સાથે ભારતે કોમનવેલ્થ ગેમ્સ 2026માં અત્યાર સુધી 7 ગોલ્ડ, 12 સિલ્વર અને 6 બ્રોન્ઝ સહિત કુલ 25 મેડલ જીત્યા છે અને મેડલ ટેલીમાં છઠ્ઠા સ્થાને પહોંચ્યું છે.
ભારતના 7 ગોલ્ડ મેડલ
ભારતે 2026 કોમનવેલ્થ ગેમ્સમાં સાત ગોલ્ડ મેડલ જીત્યા છે. ભારત હાલમાં મેડલ ટેલીમાં છઠ્ઠા સ્થાને છે.
- મીરાબાઈ ચાનુ - મહિલા 48 કિગ્રા વેઈટલિફ્ટિંગ
- શર્મિલા ધનખર - પેરા એથ્લેટિક્સ (મહિલા શોટ પુટ F57)
- દિલીપ મહાદુ ગાવિત - પેરા એથ્લેટિક્સ (પુરુષોની 100 મીટર T47)
- અસ્મિતા ડે - જુડો (મહિલા 48 કિગ્રા)
- હર્ષ સિંહ - જુડો (પુરુષોની 60 કિગ્રા)
- પ્રીતિ પવાર - બોક્સિંગ (મહિલા 54 કિગ્રા)
- જાસ્મીન લંબોરિયા - બોક્સિંગ (મહિલા 57 કિગ્રા)




