રાજકોટમાં ચકચારી હત્યા: પતિએ હથોડી વડે હુમલો કરી પત્નીની હત્યા કર્યાનો આરોપ, વિસ્તારમાં દહેશત



રાજકોટમાં ચકચારી હત્યા: પતિએ હથોડી વડે હુમલો કરી પત્નીની હત્યા કર્યાનો આરોપ, વિસ્તારમાં દહેશત



રાજકોટ: રાજકોટ શહેરમાં વધુ એક ચકચારી હત્યાની ઘટના સામે આવી છે. શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલા રૈયા ટેલિફોન એક્સચેન્જ નજીક 40 વર્ષીય મહિલાની હત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
મૃતક મહિલાની ઓળખ શિલ્પાબેન લાલાણી તરીકે થઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, શિલ્પાબેન પર તેમના જ પતિ અલતાફ દ્વારા હથોડી વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો ગંભીર આરોપ છે.
હુમલા દરમિયાન મહિલાના માથાના ભાગે જીવલેણ ઘા વાગતા તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. આ બનાવ બાદ વિસ્તારમાં દહેશત અને ભયનો માહોલ સર્જાયો છે.
ઘટનાની જાણ થતા જ યુનિવર્સિટી પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી હતી.
બાદમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા પરિવારજનોના નિવેદનો નોંધવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં પારિવારિક વિવાદ આ હત્યાનું કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે, જોકે આ અંગે પોલીસ દ્વારા હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
પોલીસે હત્યારા આરોપી પતિની શોધખોળ શરૂ કરી છે અને સમગ્ર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




