સાપુતારામાં જોખમી બોટિંગ યથાવત્, સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ



સાપુતારામાં જોખમી બોટિંગ યથાવત્, સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ



Dang News: રાજ્યભરમાં ભારે વરસાદ વચ્ચે પ્રવાસન સ્થળ સાપુતારામાં ધોધમાર વરસાદ અને ગાઢ ધુમ્મસ હોવા છતાં સર્પગંગા તળાવમાં બોટિંગ ચાલુ રહેતા પ્રવાસીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
મળતી માહિતી મુજબ, ભારે વરસાદ અને ઓછી દૃશ્યતા છતાં સર્પગંગા તળાવમાં બોટિંગ યથાવત રાખવામાં આવી રહ્યું છે. આ અંગે બોટિંગ સંચાલકો દ્વારા જિલ્લા તંત્રના જાહેરનામાની અવગણના કરવામાં આવી રહી હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગત રોજ બોટમાંથી એક પ્રવાસી તળાવમાં કૂદી પડવાની ઘટના બની હતી. તેમ છતાં બોટિંગની કામગીરીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જેના કારણે પ્રવાસીઓના જીવ જોખમમાં મુકાઈ રહ્યા હોવાની ચર્ચા છે.
ભારે વરસાદ, ગાઢ ધુમ્મસ અને ઓછી દૃશ્યતા વચ્ચે પ્રવાસીઓ બોટિંગનો આનંદ માણતા જોવા મળી રહ્યા છે, જ્યારે સુરક્ષા વ્યવસ્થાને લઈને સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. બેદરકારીના કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ સમગ્ર મામલે તંત્રની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થાને લઈને પ્રશ્નો ઉઠી રહ્યા છે. જો કે, બોટિંગ બંધ કરવા અથવા વધારાની સુરક્ષા વ્યવસ્થા અંગે તંત્ર તરફથી સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.




