સેમિકન્ડક્ટર ક્રાંતિથી વિકસિત ભારતને મળશે નવી ઝડપ, સાણંદમાં PM મોદીનો ટેક્નિકલ આત્મનિર્ભરતાનો સંદેશ



સેમિકન્ડક્ટર ક્રાંતિથી વિકસિત ભારતને મળશે નવી ઝડપ, સાણંદમાં PM મોદીનો ટેક્નિકલ આત્મનિર્ભરતાનો સંદેશ



Sanand PM Modi Speech: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ગુજરાતના સાણંદ ખાતે સીજી સેમીની આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) સુવિધાનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે ભારતની સેમિકન્ડક્ટર યાત્રાને ‘વિકસિત ભારત’ના લક્ષ્ય તરફનું ઐતિહાસિક પગલું ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, પાંચ વર્ષ પહેલાં દેશે વૈશ્વિક સેમિકન્ડક્ટર હબ બનવાનો સંકલ્પ કર્યો હતો અને આજે તેના પરિણામો ઝડપથી સામે આવી રહ્યા છે. ભારત હવે માત્ર ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનોનો ઉપભોક્તા નહીં, પરંતુ ભવિષ્યની ટેક્નોલોજીનું ઉત્પાદન કરનાર દેશ બની રહ્યો છે.
વડાપ્રધાન મોદીએ સંબોધનની શરૂઆત ગુજરાતી અંદાજમાં કરતાં કહ્યું કે, આજનો કાર્યક્રમ એ વાતનો પુરાવો છે કે ભારત જે સંકલ્પ કરે છે, તેને પૂર્ણ કરીને બતાવે છે. તેમણે જણાવ્યું કે ‘ડિઝાઇન ઇન ઇન્ડિયા’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ના વિઝન સાથે દેશ સતત આગળ વધી રહ્યો છે અને હવે દેશના ત્રીજા સેમિકન્ડક્ટર પ્લાન્ટમાં વ્યાવસાયિક ધોરણે ચિપ પેકેજિંગનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે.
તેમણે જણાવ્યું કે, વર્ષ 2024માં તેમને આ પ્રોજેક્ટનું શિલાન્યાસ કરવાનો અવસર મળ્યો હતો. ઓગસ્ટ 2025માં અહીં ટેસ્ટિંગ ચિપ્સનું કામ શરૂ થયું હતું અને હવે તેનું સત્તાવાર લોકાર્પણ કરવામાં આવ્યું છે. શિલાન્યાસથી લઈને ઉત્પાદન સુધીની આ સફર હજારો લોકોની મહેનત, ટેક્નિકલ કુશળતા અને ઉદ્યોગ જગતની પ્રતિબદ્ધતાનું પરિણામ છે.
વડાપ્રધાને જણાવ્યું કે, સીજી સેમીનો આ પ્લાન્ટ ભારત, જાપાન અને થાઈલેન્ડના ઔદ્યોગિક ભાગીદારોના સહયોગનું ઉત્તમ ઉદાહરણ છે. આ માત્ર એક વ્યાવસાયિક પ્રોજેક્ટ નથી, પરંતુ ટેક્નોલોજી, વિશ્વાસ અને વૈશ્વિક ભાગીદારીનું એવું મોડેલ છે, જે ભારતની સેમિકન્ડક્ટર યાત્રાને નવી ગતિ આપશે. હાલમાં આ પ્લાન્ટમાં દર વર્ષે અંદાજે 20 કરોડ ચિપ્સનું ઉત્પાદન થશે, જેને ભવિષ્યમાં વધારીને 500 કરોડ ચિપ્સ પ્રતિ વર્ષ સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
વડાપ્રધાને જણાવ્યું કે, ભારતમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગનો વિકાસ અચાનક થયો નથી. છેલ્લા એક દાયકામાં આવેલી ઇલેક્ટ્રોનિક્સ ક્રાંતિનું આ આગામી પગલું છે. એક સમય એવો હતો જ્યારે ભારત મોટાભાગના મોબાઇલ ફોન આયાત કરતું હતું, પરંતુ આજે દેશ વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઇલ ઉત્પાદક અને નિકાસકાર બની ગયો છે. વર્ષ 2014ની સરખામણીએ મોબાઇલ ફોનનું ઉત્પાદન 33 ગણું, ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન સાત ગણું અને ઇલેક્ટ્રોનિક્સ નિકાસમાં 11 ગણો વધારો નોંધાયો છે.
તેમણે જણાવ્યું કે, સરકારની વ્યૂહરચના માત્ર અંતિમ ઉત્પાદન સુધી મર્યાદિત નથી. હવે સમગ્ર ઇલેક્ટ્રોનિક્સ વેલ્યુ ચેઇન ભારતમાં જ વિકસાવવાનું લક્ષ્ય છે. પહેલા ઉત્પાદન, પછી કોમ્પોનેન્ટ્સ અને હવે સેમિકન્ડક્ટર ઉત્પાદન તરફ દેશ ઝડપથી આગળ વધી રહ્યો છે. આ જ વિકસિત ભારતનો રોડમેપ અને ‘મેક ઇન ઇન્ડિયા’નું આગામી ચરણ છે.
સાણંદને ભવિષ્યનું અગ્રણી સેમિકન્ડક્ટર ક્લસ્ટર ગણાવતા વડાપ્રધાને જણાવ્યું કે, જેમ અમેરિકાની સિલિકોન વેલી, તાઈવાનનો સાયન્સ પાર્ક અને જાપાનના ટેક્નોલોજી ક્લસ્ટર્સ વૈશ્વિક ઔદ્યોગિક વિકાસના કેન્દ્ર બન્યા છે, તેવી જ રીતે સાણંદ પણ આગામી સમયમાં ભારતનું અગ્રણી સેમિકન્ડક્ટર હબ બનશે. અહીં ચિપ પેકેજિંગ ઉપરાંત કેમિકલ ઉદ્યોગ, ટેસ્ટિંગ લેબ, ડિઝાઇન સેન્ટર અને અન્ય સહાયક ઉદ્યોગો વિકસશે, જેના કારણે હજારો રોજગારીની તકો ઊભી થશે અને સમગ્ર વિસ્તારના આર્થિક વિકાસને નવી ગતિ મળશે.
વડાપ્રધાને ખાસ કરીને યુવાનો અને આદિવાસી વિસ્તારોમાંથી આવેલી દીકરીઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોની અનેક યુવતીઓએ આઈટીઆઈ જેવી સંસ્થાઓમાં અભ્યાસ કર્યો છે. મલેશિયામાં આધુનિક સેમિકન્ડક્ટર ટેક્નોલોજીની તાલીમ મેળવી છે અને આજે ભારતના ચિપ ઉત્પાદન ક્ષેત્રનો મહત્વપૂર્ણ હિસ્સો બની છે. તેમણે જણાવ્યું કે, આ યુવાનોનો આત્મવિશ્વાસ અને ટેક્નિકલ કુશળતા ભારતના ઉજ્જવળ ભવિષ્યનું પ્રતીક છે. હવે આઈટીઆઈમાં અભ્યાસ કરતા યુવાનો માટે નવા અવસરોનું યુગ શરૂ થયું છે.
વડાપ્રધાને જણાવ્યું કે, સેમિકન્ડક્ટર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની ક્રાંતિ આગામી વર્ષોમાં યુવાનો માટે સંશોધન, ડિઝાઇન, સ્ટાર્ટઅપ, નવીનતા અને સપ્લાય ચેઇન મેનેજમેન્ટ જેવા અનેક નવા અવસરો ઉભા કરશે. તેમણે યુવાનોને નવી ટેક્નોલોજી શીખવા, નવીનતા અપનાવવા અને મોટા લક્ષ્યો નક્કી કરવા આહ્વાન કરતાં કહ્યું, ‘આઇડિયા તમારો, સાથ મારો.’
તેમણે જણાવ્યું કે, સરકારનું લક્ષ્ય ચિપ ડિઝાઇનથી લઈને ફેબ્રિકેશન અને પેકેજિંગ સુધીનું સંપૂર્ણ સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ ભારતમાં જ વિકસાવવાનું છે. આ સાથે જ મહત્વપૂર્ણ ખનિજો અને હાઈ-ટેક સામગ્રીના ક્ષેત્રમાં પણ આત્મનિર્ભર બનવાનું આગામી મોટું લક્ષ્ય છે. જેથી ભારત વૈશ્વિક ટેક્નોલોજી સપ્લાય ચેઇનમાં અગ્રણી ભૂમિકા ભજવી શકે. વર્ષ 2026 સુધી ચાર સેમિકન્ડક્ટર સુવિધાઓ શરૂ કરવાનો લક્ષ્યાંક હતો, પરંતુ હવે આ સંખ્યા વધીને પાંચ થવાની છે. માત્ર છ મહિનામાં ત્રણ પ્રોજેક્ટમાં ઉત્પાદન શરૂ થવું ભારતની કાર્યસંસ્કૃતિ, નીતિની સ્થિરતા અને ઝડપી અમલીકરણ ક્ષમતાનો પુરાવો છે.
વડાપ્રધાને રોકાણકારોને વિશ્વાસ અપાવ્યો કે ભારત સુધારાના માર્ગે ઝડપથી આગળ વધી રહ્યું છે અને 'ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ' માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. તેમણે જણાવ્યું કે, સરકારનું લક્ષ્ય વર્ષ 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું છે અને વર્તમાન પેઢીના યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે સતત કાર્ય કરવામાં આવી રહ્યું છે.
સંબોધનના અંતે વડાપ્રધાને જણાવ્યું કે, ભારત હવે વિકાસ અને ટેક્નોલોજીકલ આત્મનિર્ભરતાની નવી ઊંચાઈઓ તરફ આગળ વધી રહ્યું છે. સેમિકન્ડક્ટર ક્ષેત્ર દેશની પ્રગતિનો નવો આધાર બનશે અને આગામી વર્ષોમાં ભારત વૈશ્વિક ટેક્નોલોજી નકશા પર અગ્રણી શક્તિ તરીકે ઉભરી આવશે. તેમણે ઉદ્યોગો, રોકાણકારો અને યુવાનોને મોટા લક્ષ્યો નક્કી કરી તેને સાકાર કરવા સંપૂર્ણ શક્તિ સાથે આગળ વધવાનું આહ્વાન કર્યું છે.




