માઉન્ટ એવરેસ્ટ સર કરનાર આસામની પ્રથમ મહિલા બની રૂપમણી ગઢ, મુખ્યમંત્રીએ કર્યું સન્માન


માઉન્ટ એવરેસ્ટ સર કરનાર આસામની પ્રથમ મહિલા બની રૂપમણી ગઢ, મુખ્યમંત્રીએ કર્યું સન્માન


આસામની રૂપમણી ગઢે માઉન્ટ એવરેસ્ટ સર કરીને રાજ્યની પ્રથમ મહિલા તરીકે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. તેમની આ શાનદાર સિદ્ધિ બદલ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ તેમનું સન્માન કર્યું હતું અને આસામ પોલીસમાં નોકરી આપવાની પણ જાહેરાત કરી છે. રૂપમણીએ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.
આઈએનએસ સાથેની વાતચીતમાં રૂપમણી ગઢે જણાવ્યું કે તેઓ માઉન્ટ એવરેસ્ટ સર કરનાર આસામની પ્રથમ મહિલા છે અને આ સિદ્ધિ બાદ તેમને ખૂબ જ સારું લાગી રહ્યું છે. તેમણે કહ્યું કે, જ્યારે તેમણે પર્વતારોહણ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો ત્યારે જ આ લક્ષ્ય હાંસલ કરવાનો સંકલ્પ કર્યો હતો.
રૂપમણીએ જણાવ્યું કે વર્ષ 2024માં તેમણે બેઝિક માઉન્ટેનિયરિંગ કોર્સ કર્યો હતો, જ્યારે 2025માં એડવાન્સ કોર્સ પૂર્ણ કર્યો હતો. આ વર્ષે તેમણે 7,135 મીટરની પ્રી-એવરેસ્ટ ટ્રેનિંગ પણ લીધી હતી. લદ્દાખના કારગિલમાં યોજાયેલી તાલીમમાં 14 યુવતીઓએ ભાગ લીધો હતો, જેમાંથી 11ની પસંદગી કરવામાં આવી હતી અને રૂપમણી પણ તેમાં સામેલ હતી.
મહિલા ટીમની લીડર ભનિતા તિમુંગપીએ જણાવ્યું કે દેશભરમાંથી યુવતીઓએ આ અભિયાનમાં ભાગ લીધો હતો. આસામ સહિત વિવિધ રાજ્યોની યુવતીઓએ સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરી હતી.
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ રૂપમણી ગઢ અને અભિયાનની ડેપ્યુટી લીડર ભનિતા તિમુંગપીનું સન્માન કર્યું હતું. મુખ્યમંત્રીએ રૂપમણીને ₹10 લાખ અને ભનિતા તિમુંગપીને ₹2 લાખની રકમ પણ અર્પણ કરી હતી.




