ગાંધીનગરના રૂપાલ ખોડિયાર માતાજી મંદિરમાં ચોરી, દાનપેટીમાંથી રકમ ચોરી ફરાર



ગાંધીનગરના રૂપાલ ખોડિયાર માતાજી મંદિરમાં ચોરી, દાનપેટીમાંથી રકમ ચોરી ફરાર



ગાંધીનગર: ગાંધીનગર જિલ્લાના પ્રસિદ્ધ રૂપાલ ગામ ખાતે આવેલા ખોડિયાર માતાજી મંદિર પરિસરમાં ચોરીની ઘટના સામે આવતા ગામમાં ભારે ચર્ચાનો માહોલ સર્જાયો છે. મોડી રાત્રે અજાણ્યા તસ્કરોએ મંદિરને નિશાન બનાવી દાનપેટીમાં રહેલી રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
માહિતી મુજબ, રાત્રિના સમયે ચોર મંદિર પરિસરમાં ઘુસી દાનપેટીમાં રહેલા ભક્તોના દાનના પૈસા લઈને ભાગી ગયો હતો. ઘટના અંગેની જાણ આજે સવારે ત્યારે થઈ જ્યારે પૂજારી તેમજ ગ્રામજનો દર્શન માટે મંદિરે પહોંચ્યા હતા. મંદિરની અંદરનો સામાન અસ્તવ્યસ્ત હાલતમાં જોવા મળ્યો હતો તેમજ દાનપેટીમાંથી રકમ ગાયબ હોવાનું સામે આવ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ ગામલોકોમાં રોષ અને ચિંતા ફેલાઈ ગઈ હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.
પોલીસ દ્વારા મંદિર પરિસર તેમજ આસપાસના CCTV ફૂટેજની તપાસ હાથ ધરવામાં આવી છે અને તસ્કરો સુધી પહોંચવા માટે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. મંદિર જેવા પવિત્ર સ્થળે બનેલી ચોરીની ઘટનાને લઈને ભક્તોમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે.




