Sanand Liquor Seizure: સાણંદમાં દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું, ₹1.36 કરોડનો મુદ્દામાલ જપ્ત



Sanand Liquor Seizure
Sanand Liquor Seizure: સાણંદમાં દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું, ₹1.36 કરોડનો મુદ્દામાલ જપ્ત



Sanand Liquor Seizure
Sanand Liquor Seizure: ભાવનગરના લઠ્ઠાકાંડ બાદ ગુજરાતમાં ગેરકાયદેસર દારૂના નેટવર્ક સામે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન અમદાવાદ ગ્રામ્યના સાણંદમાં પોલીસે મોટી કાર્યવાહી કરીને દારૂ ભરેલા કન્ટેનરને ઝડપી પાડ્યું છે. સાણંદ-વીરમગામ હાઇવે પર વીરપુર પાટિયા નજીકથી ઝડપાયેલા કન્ટેનરમાંથી 32,392 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.

1,200 પેટીમાં 32 હજારથી વધુ દારૂની બોટલ મળી
સાણંદ GIDC પોલીસને મળેલી બાતમીના આધારે વીરપુર પાટિયા નજીક રાજસ્થાન પાસિંગના એક કન્ટેનરને અટકાવી તપાસ કરવામાં આવી હતી. કન્ટેનરની તલાશી દરમિયાન અંદાજે 1,200 પેટીમાંથી 32,392 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, ઝડપાયેલા દારૂની કિંમત રૂ.1.11 કરોડથી વધુ છે. દારૂ ઉપરાંત કન્ટેનર, ત્રણ મોબાઇલ ફોન અને રોકડ સહિત કુલ રૂ.1,36,19,688નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
કન્ટેનર ચાલકની ધરપકડ
આ કેસમાં પોલીસે કન્ટેનર ચાલક કરતારામ હમીરારામ મેઘવાલની ધરપકડ કરી છે. જ્યારે દારૂનો જથ્થો મોકલનાર સુરેન્દ્ર યાદવ, કન્ટેનરના માલિક મેહરારામ માનારામ તેમજ સુદામડા ખાતે રહેતા દેવેન્દ્ર ઉર્ફે દેંડુ ભરતભાઈ બોરીચા, નાગરાજભાઈ વલકુભાઈ ખાચર અને દેવાયતભાઈ નાગભાઈ ખરતાણી સહિતના આરોપીઓ હાલ પોલીસ પકડથી દૂર છે. પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
પંજાબથી ગુજરાત સુધી લાંબો રૂટ, તપાસમાં અનેક સવાલ
પ્રાથમિક તપાસમાં દારૂનો આ જથ્થો પંજાબના માનસા ખાતેથી ભરવામાં આવ્યો હતો અને ત્યારબાદ હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર થઈને ગુજરાતમાં પ્રવેશ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ કન્ટેનર ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી પસાર થઈને સાણંદ સુધી પહોંચ્યું હતું. આટલા લાંબા રૂટ દરમિયાન અનેક રાજ્યો અને ગુજરાતની સરહદો પાર કરીને દારૂનો આટલો મોટો જથ્થો ગુજરાત સુધી કેવી રીતે પહોંચ્યો તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. સરહદો પર ચેકિંગ અને ગેરકાયદેસર દારૂની હેરાફેરી અટકાવવાના દાવાઓ વચ્ચે આ કન્ટેનર ક્યાંય ઝડપાયું કેમ નહીં તે સવાલ પણ હવે ચર્ચામાં આવ્યો છે.
દારૂની બોટલોના બારકોડ-સ્ટીકર સાથે ટેમ્પરિંગ
પોલીસની તપાસ દરમિયાન દારૂની બોટલો પર લગાવવામાં આવેલા બારકોડ અને સ્ટીકર સાથે ટેમ્પરિંગ થયાનું પણ સામે આવ્યું છે. પુરાવાના નાશ અંગેની કલમ પણ કેસમાં ઉમેરવામાં આવી છે. હાલ પોલીસ દારૂના જથ્થાની સપ્લાય ચેઇન, નાણાકીય વ્યવસ્થા, કન્ટેનર ચાલક સહિત તમામ આરોપીઓની ભૂમિકા અને આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકો અંગે તપાસ કરી રહી છે.
મૂળ સપ્લાય નેટવર્ક સુધી પોલીસ ક્યારે પહોંચશે?
ગુજરાતમાં દારૂ પ્રવેશ્યા બાદ તેને શોધીને ઝડપી પાડવાની કાર્યવાહી થઈ રહી છે, પરંતુ આટલો મોટો જથ્થો ગુજરાત સુધી પહોંચાડનારા મૂળ સપ્લાય નેટવર્ક સુધી પોલીસ ક્યારે પહોંચે છે તે મહત્વનો સવાલ છે. સાથે જ ભવિષ્યમાં આવા મોટા જથ્થા ગુજરાતમાં પ્રવેશતા પહેલા જ અટકાવવા માટે સરહદી ચેકિંગ અને આંતરરાજ્ય સંકલનને વધુ અસરકારક કેવી રીતે બનાવવામાં આવે છે તેના પર પણ હવે સૌની નજર છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



