Get News Alerts

Never miss breaking news updates.

અમદાવાદ નરોડામાં ‘ભૂતિયા ડિમોલિશન’નો મામલો: AMCએ કહ્યું- કાર્યવાહી અમે કરી નથી, હવે કોણે તોડી દુકાનો?

Naroda Ghost Demolition: અમદાવાદના નરોડા વિસ્તારમાં ત્રણ દુકાનો તોડી પાડવામાં આવતા ‘ભૂતિયા ડિમોલિશન’નો મામલો સામે આવ્યો છે. આ કાર્યવાહી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના નામે કરવામાં આવી હોવાના આક્ષેપો વચ્ચે હવે...
R Gajjar
R GajjarUpdated on: 24 Aug 2026 08:37 PM IST
અમદાવાદ નરોડામાં ‘ભૂતિયા ડિમોલિશન’નો મામલો: AMCએ કહ્યું- કાર્યવાહી અમે કરી નથી, હવે કોણે તોડી દુકાનો?અમદાવાદ નરોડામાં ‘ભૂતિયા ડિમોલિશન’નો મામલો: AMCએ કહ્યું- કાર્યવાહી અમે કરી નથી, હવે કોણે તોડી દુકાનો?

Naroda Ghost Demolition

Naroda Ghost Demolition: અમદાવાદના નરોડા વિસ્તારમાં ત્રણ દુકાનો તોડી પાડવામાં આવતા ‘ભૂતિયા ડિમોલિશન’નો મામલો સામે આવ્યો છે. આ કાર્યવાહી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના નામે કરવામાં આવી હોવાના આક્ષેપો વચ્ચે હવે સમગ્ર ઘટનાને લઈને અનેક ગંભીર સવાલો ઊભા થયા છે.

AMCએ ડિમોલિશન કર્યું હોવાનો ઇનકાર કર્યો

નરોડામાં ત્રણ દુકાનો તોડી પાડવાની ઘટના સામે આવ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સ્પષ્ટતા કરી છે કે આ ડિમોલિશન AMC દ્વારા કરવામાં આવ્યું નથી. સાથે જ સંબંધિત જમીન જીઆઈડીસીની હદમાં આવતી હોવાનું પણ કોર્પોરેશન તરફથી જણાવાયું છે. જો કોઈ વ્યક્તિ કે ટોળકીએ AMCના નામનો ઉપયોગ કરીને દુકાનો તોડી પાડી હોય તો આ મામલે પોલીસ ફરિયાદ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી હોવાનું પણ જાણવા મળે છે.

ત્રણ દુકાનો કોણે તોડી?

AMC દ્વારા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી નથી તો સૌથી મોટો સવાલ એ છે કે ત્રણ દુકાનો તોડી કોણે અને કયા અધિકારથી? શું કોઈ વ્યક્તિ કે ટોળકીએ કોર્પોરેશનનું નામ લઈને દુકાનો તોડી પાડી હતી? કે પછી આ સમગ્ર ઘટનામાં કોઈ અન્ય કડી છુપાયેલી છે? આ સવાલોના જવાબ પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકે છે.

સુરતના ‘ભૂતિયા ડિમોલિશન’ બાદ અમદાવાદની ઘટનાથી ચર્ચા

અમદાવાદની આ ઘટના સામે આવ્યા બાદ થોડા સમય પહેલાં સુરતના નાસીરનગરમાં ચર્ચામાં આવેલા ‘ભૂતિયા ડિમોલિશન’ની ઘટના પણ ફરી ચર્ચામાં આવી છે. સુરતની ઘટનામાં પણ શરૂઆતમાં કોર્પોરેશન દ્વારા ડિમોલિશન પોતાની સત્તાવાર કાર્યવાહી હોવાનું નકારવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્થળ પર અધિકારીઓ અને પોલીસની હાજરી અંગે સવાલો ઉઠ્યા હતા. મામલો ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો અને ઘટનામાં અધિકારીઓ તથા પોલીસની ભૂમિકા અંગે ગંભીર નોંધ લેવામાં આવી હતી. બાદમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

હવે પોલીસ તપાસમાં ખુલશે સમગ્ર હકીકત

નરોડાની ઘટનામાં પણ AMCએ પોતાની સંડોવણી નકારી કાઢતા હવે તપાસનો દોર પોલીસ તરફ વળ્યો છે. દુકાનો તોડનાર વ્યક્તિઓ કોણ હતા, તેમણે કયા અધિકાર હેઠળ કાર્યવાહી કરી અને AMCના નામનો ઉપયોગ થયો હતો કે નહીં તે અંગે તપાસ બાદ જ હકીકત સામે આવશે. આ સમગ્ર મામલે સૌથી મોટો પ્રશ્ન એ છે કે સરકારી તંત્રના નામનો દુરુપયોગ કરીને કોઈ ગેરકાયદેસર ડિમોલિશન કરવામાં આવ્યું છે કે કેમ? હવે પોલીસ તપાસમાં આ ઘટનાની પાછળના લોકો અને સમગ્ર કડીનો પર્દાફાશ થાય છે કે નહીં તેના પર સૌની નજર છે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com