ડાકોરમાં ઠાકોરજીની 254મી ભવ્ય રથયાત્રા ધામધૂમથી નીકળી, હજારો ભક્તો ઉમટ્યા


ડાકોરમાં ઠાકોરજીની 254મી ભવ્ય રથયાત્રા ધામધૂમથી નીકળી, હજારો ભક્તો ઉમટ્યા


ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં અષાઢી એકમ અને પુષ્ય નક્ષત્રના પાવન અવસરે ભગવાન શ્રી રણછોડરાયજીની 254મી પરંપરાગત રથયાત્રા ભવ્ય અને ધાર્મિક માહોલ વચ્ચે નીકળી હતી. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ભક્તો ડાકોર પહોંચ્યા હતા અને ભગવાનના દર્શનનો લાભ લઈ ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો.
સવારે ચોક્કસ 9 વાગ્યે શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન-અર્ચન અને વિશેષ ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા બાદ ચાંદીથી શણગારાયેલા ભવ્ય રથમાં ઠાકોરજીને બિરાજમાન કરવામાં આવ્યા હતા. મંદિર પરિસરમાં રથનું અધિવેશન થયા બાદ જય રણછોડના ગગનભેદી જયઘોષ વચ્ચે રથયાત્રાનો પ્રારંભ થયો હતો.
આ ભવ્ય રથયાત્રા ડાકોરના નિર્ધારિત આશરે 8 કિલોમીટરના પરંપરાગત માર્ગ પરથી પસાર થઈ હતી. માર્ગભર ભજન-કીર્તન મંડળીઓ, ઢોલ-નગારા, ધાર્મિક ઝાંખીઓ અને ભક્તોના જયઘોષથી સમગ્ર ડાકોર ભક્તિમય બની ગયું હતું. માર્ગ પર અનેક સ્થળોએ ભક્તોએ ભગવાનના રથનું પુષ્પવર્ષા સાથે સ્વાગત કર્યું હતું અને દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
રથયાત્રા દરમિયાન સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. યાત્રાના સફળ આયોજન માટે મંદિર ટ્રસ્ટ અને સેવાભાવી સંસ્થાઓએ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
ડાકોરની આ ઐતિહાસિક રથયાત્રા માત્ર ધાર્મિક પરંપરાનું પ્રતિક જ નહીં પરંતુ ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિરાસતનું પણ જીવંત પ્રતિબિંબ બની રહી છે. હજારો ભક્તોની ઉપસ્થિતિ અને શ્રદ્ધાભાવે સમગ્ર યાત્રાધામમાં ભક્તિનો અનોખો માહોલ સર્જાયો હતો.




