રાજકોટમાં દૂષિત પાણીની સમસ્યા યથાવત, 900થી વધુ મકાનોમાં ગંદુ પાણી આવતા સ્થાનિકોમાં રોષ


રાજકોટમાં દૂષિત પાણીની સમસ્યા યથાવત, 900થી વધુ મકાનોમાં ગંદુ પાણી આવતા સ્થાનિકોમાં રોષ


રાજકોટ શહેરમાં દૂષિત પાણીની સમસ્યા યથાવત રહેતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. શહેરના ધરમનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી 900થી વધુ મકાનોમાં દૂષિત પાણી આવતું હોવાના આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, ઘરોમાં આવતું પાણી એટલું દૂષિત છે કે તેનો ઉપયોગ પીવા કે ઘરવપરાશ માટે કરવો મુશ્કેલ બની રહ્યો છે. દૂષિત પાણીના કારણે બાળકો સહિત સ્થાનિકોના સ્વાસ્થ્ય પર પણ અસર થઈ રહી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે દૂષિત પાણી પીવાથી બાળકો બીમાર પડી રહ્યા છે.
આ મામલે સ્થાનિકો દ્વારા રાજકોટ મહાનગરપાલિકામાં અનેક વખત ફરિયાદ કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ આવ્યું નથી. જેના કારણે લોકોમાં તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે.
સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે એક તરફ રાજકોટ શહેરમાં વિકાસ અને સુવિધાઓને લઈને મોટી મોટી વાતો કરવામાં આવે છે, જ્યારે બીજી તરફ શહેરના અનેક વિસ્તારોમાં લોકોને પ્રાથમિક સુવિધા તરીકે મળતું પાણી પણ શુદ્ધ મળતું નથી.
ધરમનગર વિસ્તારના રહેવાસીઓએ તાત્કાલિક દૂષિત પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા અને પાણીની ગુણવત્તાની તપાસ કરવાની માંગ કરી છે. સાથે જ દૂષિત પાણીના કારણે કોઈ મોટી આરોગ્ય સમસ્યા સર્જાય તે પહેલાં મનપા તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી પણ સ્થાનિકોએ માગણી કરી છે.




