અમુક વિસ્તારોમાં દૂષિત પાણીના વિતરણનો મેયરનો સ્વીકાર, જૂની પાઇપલાઇન અને ચોમાસાને ગણાવ્યા કારણ


અમુક વિસ્તારોમાં દૂષિત પાણીના વિતરણનો મેયરનો સ્વીકાર, જૂની પાઇપલાઇન અને ચોમાસાને ગણાવ્યા કારણ


રાજકોટ શહેરમાં દૂષિત પાણીના વિતરણનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. શહેરના મેયર ડો. નેહલ શુક્લે સ્વીકાર્યું છે કે શહેરના અમુક વિસ્તારોમાં દૂષિત પાણીના વિતરણની સમસ્યા જોવા મળે છે. જોકે તેમણે સ્પષ્ટતા કરી હતી કે સમસ્યાના કારણો અંગે મહાનગરપાલિકા સતત અભ્યાસ કરી રહી છે અને જરૂરી સુધારાત્મક પગલાં પણ લેવામાં આવી રહ્યા છે.
મેયરે જણાવ્યું હતું કે વર્ષ 2024થી મહાનગરપાલિકા દ્વારા દર મહિને વોર્ડવાર પાણીની ગુણવત્તાનો ડેટા એકત્રિત કરવામાં આવે છે અને તે RMCની સત્તાવાર વેબસાઇટ પર પણ અપલોડ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે મે-2025 દરમિયાન તેઓ પદાધિકારી તરીકે કાર્યરત નહોતા, છતાં પાણીની ગુણવત્તા અંગેની કામગીરી સતત ચાલુ રહી હતી.
ડો. નેહલ શુક્લના જણાવ્યા અનુસાર ચોમાસા દરમિયાન નદી-નાળામાં પાણીનું પ્રમાણ વધતા કેટલીક જગ્યાએ પાણી દૂષિત થવાની શક્યતા રહે છે. જોકે ફિલ્ટરેશન પ્રક્રિયા બાદ જ પાણીનું વિતરણ કરવામાં આવે છે. તેમ છતાં કેટલીક જગ્યાએ જૂની પાણીની પાઇપલાઇનમાં તિરાડો પડવાથી અથવા ડ્રેનેજ લાઇન સાથે લીકેજ થવાથી દૂષિત પાણી ભળી જતું હોવાનું તેમણે જણાવ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું કે જ્યાં નવી પાઇપલાઇન નાખવામાં આવી છે ત્યાં પણ કેટલાક લોકો દ્વારા મનસ્વી રીતે કનેક્શન લેવામાં આવતા પાઇપલાઇનને નુકસાન પહોંચે છે, જેના કારણે તિરાડો પડી ડ્રેનેજનું પાણી પીવાના પાણીમાં ભળવાની સમસ્યા સર્જાય છે. મેયરે જણાવ્યું કે આવા વિસ્તારોની ઓળખ કરી તબક્કાવાર પાઇપલાઇનના સમારકામ અને બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.




