ખેડા શિક્ષણ વિભાગમાં LTC લાભ મામલે ગેરરીતિની તપાસ


ખેડા શિક્ષણ વિભાગમાં LTC લાભ મામલે ગેરરીતિની તપાસ


ખેડા જિલ્લાના શિક્ષણ વિભાગમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. પ્રાથમિક શિક્ષકોને આપવામાં આવતા લિવ ટ્રાવેલ કન્સેશન (LTC)ના લાભમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો સામે આવતા સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ આશરે 50 જેટલા શિક્ષકોએ નિયમોનું પાલન કર્યા વિના આર્થિક લાભ મેળવ્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર વર્ષ 2020થી 2023 તેમજ 2024થી 2027ના સમયગાળા દરમિયાન કેટલાક શિક્ષકોએ મામલતદારના જરૂરી હુકમો વિના જ સર્વિસ બુકમાં નોંધ કરાવી એલટીસીનો લાભ મેળવ્યો હોવાનું સામે આવ્યું છે. આ પ્રક્રિયામાં હજારો રૂપિયાનો સરકારી લાભ લેવામાં આવ્યો હોવાના આક્ષેપો ઉઠ્યા છે.
આ મામલે રાજ્ય પ્રાથમિક શૈક્ષણિક સંઘના કેટલાક હોદેદારોએ પણ લાભ મેળવ્યો હોવાની ચર્ચા છે. જોકે, આ દાવાઓની સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી અને તપાસ બાદ જ સમગ્ર હકીકત સ્પષ્ટ થશે.
ગળતેશ્વર તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારી નિલેશ પટેલે જણાવ્યું કે સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસની જવાબદારી ઠાસરા અને કઠલાલ તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને સોંપવામાં આવી છે. આશરે 50 જેટલા શિક્ષકોને ચૂકવાયેલા એલટીસી લાભની તમામ વિગતો ચકાસવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું કે જો તપાસ દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ અથવા નિયમભંગ સામે આવશે તો જવાબદારો સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ પ્રાથમિક શૈક્ષણિક સંઘના હોદેદારોએ પણ ગેરરીતિથી લાભ લીધો છે કે નહીં તેની પણ વિગતવાર તપાસ હાથ ધરવામાં આવશે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલાની વાસ્તવિક સ્થિતિ સ્પષ્ટ થશે.




