PM મોદીના ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં મોટા એલાન: 2030 સુધી વેપાર બમણો કરવાનો લક્ષ્ય


PM મોદીના ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં મોટા એલાન: 2030 સુધી વેપાર બમણો કરવાનો લક્ષ્ય


ઓકલેન્ડ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સનના આમંત્રણ પર સત્તાવાર પ્રવાસે પહોંચ્યા છે. છેલ્લા 40 વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનનો આ પ્રથમ ન્યૂઝીલેન્ડ પ્રવાસ છે. બંને દેશોએ સંબંધોને વધુ મજબૂત બનાવતા તેને ‘સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ’ સુધી લઈ જવાનો નિર્ણય કર્યો છે.
10 જુલાઈથી શરૂ થયેલા પ્રવાસ દરમિયાન PM મોદીનું ગવર્નમેન્ટ હાઉસ ખાતે ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ PM મોદીએ ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન લક્સન સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. મોદીએ બિઝનેસ લીડર્સ અને ભારતીય સમુદાયને પણ સંબોધિત કર્યા હતા.
2030 સુધી વેપાર બમણો કરીને ₹35 હજાર કરોડ કરવાનો લક્ષ્ય
ભારત અને ન્યૂઝીલેન્ડે વર્ષ 2030 સુધીમાં માલ અને સેવાઓનો દ્વિપક્ષીય વેપાર બમણો કરવાનો લક્ષ્ય રાખ્યો છે. બંને દેશો વચ્ચેનો વેપાર 7 અબજ ન્યૂઝીલેન્ડ ડોલર એટલે કે અંદાજે 35 હજાર કરોડ રૂપિયા સુધી લઈ જવાની તૈયારી છે.
બંને વડાપ્રધાનોએ સંતુલિત અને પરસ્પર ફાયદાકારક ભારત-ન્યૂઝીલેન્ડ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પૂર્ણ થવાનું અને તેના પર હસ્તાક્ષરનું સ્વાગત કર્યું હતું. FTAને ઝડપથી અમલમાં મૂકવા પર પણ સહમતી બની છે.
સંબંધો હવે ‘સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ’ સુધી પહોંચ્યા
બંને દેશો વચ્ચે જૂની મિત્રતા, લોકતાંત્રિક મૂલ્યો અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સમાન હિતોને ધ્યાનમાં રાખીને સંબંધોને ‘સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ’ સુધી વધારવામાં આવ્યા છે.
બંને નેતાઓએ ‘ભારત-ન્યૂઝીલેન્ડ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ: રોડમેપ ટુ 2030’ને સમર્થન આપ્યું છે. આગામી ચાર વર્ષ દરમિયાન બંને દેશો આ રોડમેપ પ્રમાણે વિવિધ ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરશે.
વિદેશ મંત્રીઓ વચ્ચે નિયમિત સંવાદ થશે
બંને દેશોના વડાપ્રધાન અને મંત્રીઓ વચ્ચે નિયમિત મુલાકાતો અને બેઠકો યોજવા પર સહમતી બની છે. 2030ના રોડમેપની પ્રગતિની સમીક્ષા કરવા માટે નિયમિત ફોરેન મિનિસ્ટર્સ ડાયલોગ શરૂ કરવામાં આવશે.
ભારત અને ન્યૂઝીલેન્ડના વિદેશ મંત્રાલયના સિનિયર અધિકારીઓ વચ્ચે વાર્ષિક બેઠકની વ્યવસ્થાને પણ વધુ મજબૂત કરવામાં આવશે.
દરિયાઈ સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્રે સહયોગ વધશે
બંને દેશોએ સંરક્ષણ અને સુરક્ષા ક્ષેત્રે સહયોગ વધુ મજબૂત કરવાનો નિર્ણય કર્યો છે. સંરક્ષણ મંત્રાલયો અને સૈન્ય સ્તરે નિયમિત સંપર્ક જાળવવામાં આવશે.
દરિયાઈ સુરક્ષા માટે મેરિટાઇમ કોઓપરેશન એરેન્જમેન્ટ, હાઇડ્રોગ્રાફી અને નોટિકલ કાર્ટોગ્રાફીમાં સહયોગ તેમજ મ્યુચ્યુઅલ લોજિસ્ટિક્સ સપોર્ટ એરેન્જમેન્ટ પર ભાર મૂકવામાં આવ્યો છે.
બંને દેશો વાર્ષિક ‘મેરિટાઇમ સિક્યોરિટી ડાયલોગ’ શરૂ કરવા પણ સહમત થયા છે. દ્વિપક્ષીય નૌસેના અભ્યાસ સહિતની પ્રવૃત્તિઓને પણ વધારવામાં આવશે.
આતંકવાદ સામે બંને દેશોનો કડક સંદેશ
ભારત અને ન્યૂઝીલેન્ડે સરહદ પારના આતંકવાદ સહિત દરેક પ્રકારના આતંકવાદની કડક નિંદા કરી છે. બંને દેશોએ આતંકવાદ અને હિંસક કટ્ટરવાદ સામે સહયોગ વધારવાનો નિર્ણય કર્યો છે.
કાઉન્ટર ટેરરિઝમ માટે જોઈન્ટ વર્કિંગ ગ્રુપ બનાવવા MOA પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. બંને દેશોએ સંયુક્ત રાષ્ટ્ર અને FATF સહિતના આંતરરાષ્ટ્રીય મંચો પર પણ સહયોગ વધારવાનો નિર્ણય કર્યો છે.
બંને નેતાઓએ 22 એપ્રિલ 2025ના જમ્મુ-કાશ્મીરના પહલગામ આતંકી હુમલા અને 10 નવેમ્બર 2025ના નવી દિલ્હીમાં લાલ કિલ્લા નજીક બનેલી આતંકી ઘટનાની કડક નિંદા કરી હતી. હુમલા માટે જવાબદાર લોકોને જવાબદાર ઠેરવવા પર ભાર મૂકાયો હતો.
ડ્રગ્સ અને સંગઠિત ગુનાઓ સામે સંયુક્ત કાર્યવાહી
ભારત અને ન્યૂઝીલેન્ડ ટ્રાન્સનેશનલ અને ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સામે કાયદાકીય સહયોગ મજબૂત કરશે. ડ્રગ્સ વિરોધી કાર્યવાહી અને બંને દેશોની તપાસ એજન્સીઓ વચ્ચે સહયોગ માટેની વ્યવસ્થાને ઝડપથી ઔપચારિક બનાવવામાં આવશે.
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ કરવા પ્રયાસ
બંને વડાપ્રધાનોએ પર્યટન ક્ષેત્રે થયેલા MOUનું સ્વાગત કર્યું હતું. એરલાઇન્સને ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સીધી નોન-સ્ટોપ ફ્લાઇટ શરૂ કરવા માટે પ્રોત્સાહિત કરવાની વાત પણ કરવામાં આવી છે.
ડેરી, કૃષિ અને પશુપાલન ક્ષેત્રે ભાગીદારી વધશે
બાગાયત, વન, પશુપાલન અને ડેરી જેવા મહત્વના ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે સહયોગ વધારવામાં આવશે. FTA હેઠળ એગ્રીકલ્ચર પ્રોડક્ટિવિટી પાર્ટનરશિપને વ્યવહારિક સહયોગ માટે મહત્વનું પ્લેટફોર્મ ગણાવવામાં આવ્યું છે.
પશુપાલન અને ડેરી ક્ષેત્રે મેમોરેન્ડમ ઓફ કોઓપરેશન પૂર્ણ થવાનું પણ બંને નેતાઓએ સ્વાગત કર્યું હતું.
શિક્ષણ અને નવી ટેક્નોલોજીમાં સહયોગ
શિક્ષણ, રિસર્ચ, વિજ્ઞાન, ટેક્નોલોજી અને ઇનોવેશનને બંને દેશોના સંબંધોનો મહત્વનો ભાગ ગણાવવામાં આવ્યો છે.
કૃષિ, ક્લાઇમેટ ચેન્જ, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને નવી ટેક્નોલોજીમાં પાર્ટનરશિપ વધારવામાં આવશે. બંને દેશોની શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે સહયોગ અને સ્ટુડન્ટ મોબિલિટી વધારવા પર પણ સહમતી બની છે.
ભારતની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ન્યૂઝીલેન્ડની નેશનલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સી વચ્ચે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
ઈન્ડો-પેસિફિકને મુક્ત અને શાંતિપૂર્ણ રાખવા પર ભાર
બંને વડાપ્રધાનોએ મુક્ત, ખુલ્લા, શાંતિપૂર્ણ અને સમૃદ્ધ ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
આંતરરાષ્ટ્રીય કાયદા અને 1982ના યુએન કન્વેન્શન ઓન ધ લો ઓફ ધ સી પ્રમાણે નેવિગેશન અને ઓવરફ્લાઇટની સ્વતંત્રતાને સમર્થન આપવામાં આવ્યું છે.
UN સુરક્ષા પરિષદમાં ભારતની કાયમી સભ્યતાને ન્યૂઝીલેન્ડનું સમર્થન
ન્યૂઝીલેન્ડે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતની કાયમી સભ્યતાને ફરી સમર્થન આપ્યું છે. બંને દેશોએ યુએનમાં મોટા અને અસરકારક સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
સુરક્ષા પરિષદમાં કાયમી અને બિનકાયમી સભ્યોની સંખ્યા વધારવા માટે પણ બંને દેશોએ સમર્થન વ્યક્ત કર્યું છે.
મિડલ ઈસ્ટના તણાવ અને યુક્રેન યુદ્ધ અંગે ચિંતા
બંને નેતાઓએ મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તમામ પક્ષોને સંયમ રાખવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ કરવામાં આવી છે.
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે નેવિગેશનની સ્વતંત્રતા અને વૈશ્વિક વેપાર સંપૂર્ણ રીતે પુનઃસ્થાપિત કરવાની માગ કરવામાં આવી છે. યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ અંગે પણ બંને નેતાઓએ ચિંતા વ્યક્ત કરી હતી.
2030ના રોડમેપની નિયમિત સમીક્ષા થશે
બંને વડાપ્રધાનોએ મંત્રીઓ અને સિનિયર અધિકારીઓને 2030ના રોડમેપમાં નક્કી કરાયેલી યોજનાઓનો સમયસર અમલ કરવા સૂચના આપી છે. તેની પ્રગતિની નિયમિત સમીક્ષા કરવામાં આવશે.
બંને નેતાઓએ ઉચ્ચ સ્તરીય સંવાદ જાળવી રાખવા અને ભારત-ન્યૂઝીલેન્ડ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવા પર સહમતી વ્યક્ત કરી છે.




