દમણમાં PM મોદીએ નમો એરપોર્ટ-નમો હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું, 3000 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ



દમણમાં PM મોદીએ નમો એરપોર્ટ-નમો હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું, 3000 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ



Narendra Modi Namo Airport Daman: વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે પીએમ મોદી આજે (5 જૂન) ડાયમંડ સિટી સુરતની મુલાકાતે આવ્યા હતા. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંઘપ્રદેશ દમણની મુલાકાત આવી પહોંચ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ દમણમાં રૂ. 3000 કરોડથી વધુના 53 વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. આ પ્રોજેક્ટ્સમાં નમો ડોમેસ્ટિક એરપોર્ટ અને નમો હોસ્પિટલનો સમાવેશ થાય છે. આ સાથે તેઓ દમણમાં રોડ-શો પણ કરવાના છે.
દમણમાં કુલ 38 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે. જ્યારે 15 નવી પરિયોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ્ય દમણમાં આધુનિક સુવિધાઓ પૂરી પાડીને સર્વાંગી વિકાસ કરવાનો છે. આજે લોકાર્પણ થશે તેવા મુખ્ય પ્રોજેક્ટ્સમાં નમો ડોમેસ્ટિક એરપોર્ટ, આધુનિક નમો હોસ્પિટલ, નવી સેક્રેટરીએટ ઓફિસ અને સુવિધાસભર સરકારી શાળાઓનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સ સ્થાનિકોને ઉત્તમ સ્વાસ્થ્ય અને શિક્ષણ સુવિધાઓ પૂરી પાડશે.
નવા એરપોર્ટથી દમણની મોટા શહેરો સાથે કનેક્ટિવિટી વધશે
નવા એરપોર્ટના કારણે દમણ હવે દિલ્હી, મુંબઈ, અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરો સાથે સીધું હવાઈ જોડાણ ધરાવશે. આ નવી કનેક્ટિવિટીથી દમણના ઉદ્યોગોને વેગ મળશે અને પ્રવાસીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે. અત્યાર સુધી દમણ મુખ્યત્વે દક્ષિણ ગુજરાત પૂરતું સીમિત હતું, પરંતુ હવે દેશભરમાંથી પ્રવાસીઓ સરળતાથી અહીં આવી શકશે. અહીં બનેલી નાઇટ માર્કેટ પણ પ્રવાસીઓ માટે નવું આકર્ષણ બનશે.
દમણથી લક્ષદ્વીપના 855 કરોડના 4 વિકાસ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપ માટે આશરે 885 કરોડના 4 મહત્વના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ પણ કરશે. આ પ્રોજેક્ટ્સમાં કલ્પેની ટાપુ અને કદમત ટાપુ બંનેની પૂર્વ અને પશ્ચિમ બાજુએ પોર્ટ (બંદર) સુવિધાઓનો વિકાસ સામેલ છે. આ બહુહેતુક જેટીઓનો વિકાસ 300 મીટર સુધીની લંબાઈ ધરાવતા ક્રૂઝ જહાજો સહિત મોટા પેસેન્જર જહાજોને આખું વર્ષ લાંગરવાની સુવિધા પૂરી પાડશે.
આ પ્રોજેક્ટ્સ મુસાફરો અને કાર્ગોનું સલામત અને કાર્યક્ષમ સંચાલન સક્ષમ બનાવશે અને મત્સ્ય ઉદ્યોગનું સંચાલન, બળતણ વિતરણ, બરફ પુરવઠો અને બોટ સમારકામ માટે સંકલિત સુવિધાઓ પૂરી પાડશે. આ પહેલો દરિયાઈ કનેક્ટિવિટી મજબૂત કરશે. સ્થાનિક માછીમારોની આજીવિકાને ટેકો આપશે. પ્રવાસનને પ્રોત્સાહન આપશે અને ટાપુઓના સામાજિક-આર્થિક વિકાસમાં યોગદાન આપશે.




