જૂનાગઢના ગ્રોફેડ વિસ્તારમાં રેલિંગમાં ફસાયેલા સિંહનું સફળ રેસ્ક્યૂ, સારવાર માટે સક્કરબાગ ખસેડાયો


જૂનાગઢના ગ્રોફેડ વિસ્તારમાં રેલિંગમાં ફસાયેલા સિંહનું સફળ રેસ્ક્યૂ, સારવાર માટે સક્કરબાગ ખસેડાયો


જૂનાગઢ શહેરના ગ્રોફેડ વિસ્તારમાં આજે વહેલી સવારે એકથી બે વર્ષનો નર સિંહ લોખંડના ગેટ પરથી કૂદીને પસાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેનો પાછળનો પગ ગેટની રેલિંગમાં ફસાઈ જતાં તે ઈજાગ્રસ્ત બન્યો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી.
માહિતી મળતા જ જૂનાગઢ વન વિભાગની ટીમ તેમજ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની વિશેષ રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. નિષ્ણાંતની ટીમે જરૂરી સાવચેતી અને વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને સિંહને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કર્યો હતો.
રેસ્ક્યૂ બાદ ઈજાગ્રસ્ત સિંહને વધુ સારવાર અને સતત પશુચિકિત્સકીય દેખરેખ માટે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે ખસેડવામાં આવ્યો છે. ત્યાં નિષ્ણાંત પશુચિકિત્સકો દ્વારા તેની સારવાર શરૂ કરવામાં આવી છે. વન વિભાગના જણાવ્યા અનુસાર હાલ સિંહની સ્થિતિ સ્થિર છે અને તેને સતત નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે.
વન વિભાગ અને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયની ટીમ દ્વારા કરવામાં આવેલી ઝડપી અને સંકલિત કામગીરીના કારણે સિંહને સમયસર સારવાર મળી શકી અને તેના જીવને સંભવિત જોખમમાંથી બચાવવામાં સફળતા મળી છે.
વન વિભાગે જણાવ્યું છે કે વન્યજીવોના સંરક્ષણ અને તેમની સુરક્ષા માટે વિભાગ સતત પ્રતિબદ્ધ છે. જંગલી પ્રાણીઓ સાથે સંકળાયેલી કોઈપણ પરિસ્થિતિમાં તાત્કાલિક અને અસરકારક કામગીરી માટે ટીમો હંમેશા સજ્જ રહે છે. સાથે જ નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે જો કોઈ વન્યજીવ રહેણાંક વિસ્તારમાં જોવા મળે તો તેની નજીક જવાના બદલે તાત્કાલિક વન વિભાગને જાણ કરે.




