જામનગર: ગવર્મેન્ટ પોલીટેકનિક કોલેજના બોયઝ હોસ્ટેલની સમસ્યાઓને લઈને ABVPનું આવેદનપત્ર, ઉગ્ર આંદોલનની ચીમકી


જામનગર: ગવર્મેન્ટ પોલીટેકનિક કોલેજના બોયઝ હોસ્ટેલની સમસ્યાઓને લઈને ABVPનું આવેદનપત્ર, ઉગ્ર આંદોલનની ચીમકી


જામનગરની ગવર્મેન્ટ પોલીટેકનિક કોલેજમાં વિદ્યાર્થીઓના હિતના પ્રશ્નોને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) મેદાનમાં ઉતરી છે. બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને પડતી વિવિધ સમસ્યાઓના તાત્કાલિક નિરાકરણની માંગ સાથે ABVP દ્વારા કોલેજના પ્રિન્સિપાલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ABVPના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ABVPના નગર મંત્રી રાજવીર ગઢવીના નેતૃત્વમાં કરવામાં આવેલી રજૂઆતમાં હોસ્ટેલમાં પીવાના શુદ્ધ પાણી માટે પૂરતા વોટર ફિલ્ટરની વ્યવસ્થા, નિયમિત સફાઈ, પાણીની ઉપલબ્ધતા તેમજ ફાયર સેફ્ટીના જરૂરી સાધનો સુનિશ્ચિત કરવાની માંગ કરવામાં આવી હતી. ઉપરાંત હોસ્ટેલની મેસમાં ભોજનની ગુણવત્તા સુધારવા તેમજ વિદ્યાર્થીઓને મળતી મૂળભૂત સુવિધાઓમાં વધારો કરવાની પણ રજૂઆત કરવામાં આવી હતી.
વિદ્યાર્થી પરિષદે જણાવ્યું હતું કે હોસ્ટેલમાં લાંબા સમયથી વિવિધ સમસ્યાઓ હોવા છતાં તેનું યોગ્ય નિરાકરણ આવ્યું નથી, જેના કારણે વિદ્યાર્થીઓને દૈનિક જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વિદ્યાર્થીઓને સુરક્ષિત અને સુવિધાસભર વાતાવરણ મળે તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
ABVPએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો રજૂ કરાયેલી માંગણીઓનો વહેલી તકે સંતોષકારક ઉકેલ નહીં લાવવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી કોલેજ તંત્રની રહેશે.




