ગુજરાતમાં વિધિવત્ ચોમાસું બેઠું, હવામાન વિભાગની જાહેરાત



ગુજરાતમાં વિધિવત્ ચોમાસું બેઠું, હવામાન વિભાગની જાહેરાત



Gujarat Weather: ગુજરાતવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં આખરે ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર પ્રવેશની જાહેરાત કરી છે. દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ સાથે ચોમાસાની એન્ટ્રી નોંધાઈ છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે. તેમજ ટ્રફ લાઈન પસાર થઈ રહી હોવાથી આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ખાસ કરીને સુરત, તાપી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ ભારે વરસાદ પડી શકે છે. ગાજવીજ અને 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. તંત્ર દ્વારા નાગરિકોને પણ સાવચેત રહેવા અને જરૂરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.




