આગામી દિવસોમાં હળવા વરસાદની શક્યતા, જાણો હવામાન વિભાગની આગાહી



આગામી દિવસોમાં હળવા વરસાદની શક્યતા, જાણો હવામાન વિભાગની આગાહી



Gujarat Weather Forecast: ગુજરાતમાં નિયમિત ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હાલ મહારાષ્ટ્ર વિસ્તારમાં સ્થિર છે. જેના કારણે રાજ્યમાં વ્યાપક વરસાદ માટે હજુ થોડો સમય રાહ જોવી પડશે.
હવામાન વિભાગે 17 જૂનથી 23 જૂન દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે.
17 જૂનના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 18 જૂનના રોજ મહીસાગર, અરવલ્લી અને દાહોદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
હાલ દક્ષિણ-પશ્ચિમ અને દક્ષિણ દિશાથી પવનો ફૂંકાઈ રહ્યા છે, જે હવામાનમાં ભેજનું પ્રમાણ વધારી રહ્યા છે. બીજી તરફ અમદાવાદમાં મહત્તમ તાપમાન 40.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાતા લોકોને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.
હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ઉત્તર પાકિસ્તાન વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફ સક્રિય હોવાથી હવામાનની સ્થિતિ પર તેની અસર જોવા મળી રહી છે. આગામી દિવસોમાં ચોમાસાની ગતિ અને વરસાદની સ્થિતિ પર હવામાન વિભાગ સતત નજર રાખી રહ્યું છે.




