સુરતના પૂર અસરગ્રસ્તો માટે સહાય જાહેર, ચૂકવાશે 1 લાખ સુધીનું વળતર

ગાંધીનગર: સુરત શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિને કારણે વેપારીઓ તેમજ સામાન્ય નાગરિકોને થયેલા આર્થિક નુકસાનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વિશેષ રાહત પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજ હેઠળ અસરગ્રસ્ત વેપારીઓને નુકસાનના પ્રકાર અનુસાર ₹7,500થી લઈને ₹1 લાખ સુધીની સીધી સહાય તેમજ ધંધો ફરી શરૂ કરવા માટે ₹30 લાખ સુધીની લોન અને વ્યાજ સહાય આપવામાં આવશે. રાજ્ય સરકારના...
Rupin Bakraniya
Rupin Bakraniya
સુરતના પૂર અસરગ્રસ્તો માટે સહાય જાહેર, ચૂકવાશે 1 લાખ સુધીનું વળતરસુરતના પૂર અસરગ્રસ્તો માટે સહાય જાહેર, ચૂકવાશે 1 લાખ સુધીનું વળતર

ગાંધીનગર: સુરત શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિને કારણે વેપારીઓ તેમજ સામાન્ય નાગરિકોને થયેલા આર્થિક નુકસાનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વિશેષ રાહત પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજ હેઠળ અસરગ્રસ્ત વેપારીઓને નુકસાનના પ્રકાર અનુસાર ₹7,500થી લઈને ₹1 લાખ સુધીની સીધી સહાય તેમજ ધંધો ફરી શરૂ કરવા માટે ₹30 લાખ સુધીની લોન અને વ્યાજ સહાય આપવામાં આવશે.

રાજ્ય સરકારના નિર્ણય મુજબ નાના વેપારીઓ, લારી-રેકડી ધારકો અને વિવિધ પ્રકારના ધંધાર્થીઓને તેમની જરૂરિયાત અનુસાર અલગ-અલગ સહાય આપવામાં આવશે. સરકારનો હેતુ પૂરથી અસરગ્રસ્ત વેપારીઓને ઝડપથી ફરીથી રોજગાર સાથે જોડવાનો છે.

વિવિધ વેપારીઓ માટે અલગ સહાય
રાહત પેકેજ મુજબ લારી-રેકડી ચલાવતા વેપારીઓને ₹7,500ની સહાય મળશે. 40 ફૂટ સુધીની કેબિન ધરાવતા વેપારીઓને ₹25,000, જ્યારે 40 ફૂટથી મોટી કેબિન ધરાવતા વેપારીઓને ₹50,000ની સહાય આપવામાં આવશે. ઉપરાંત, પાકી દુકાનમાં નુકસાન થયેલા વેપારીઓને ₹1 લાખ સુધીનું વળતર ચૂકવવામાં આવશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે દુકાનધારકોને આ સહાયનો લાભ મેળવવા માટે છેલ્લા ત્રણ મહિનાના નિયમિત GST રિટર્ન ભરેલા હોવા જરૂરી રહેશે.

ધંધો ફરી શરૂ કરવા લોન અને વ્યાજ સહાય
સીધી આર્થિક સહાય ઉપરાંત વેપારીઓને વ્યવસાય ફરી શરૂ કરવામાં સરળતા રહે તે માટે વિશેષ લોન સહાય યોજના પણ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ ત્રણ વર્ષ સુધી લોનના વ્યાજ પર 7 ટકા સુધીની સહાય રાજ્ય સરકાર આપશે. ટર્નઓવર આધારે વેપારીઓને ₹20 લાખથી લઈને ₹30 લાખ સુધીની લોન તેમજ વ્યાજ સહાયનો લાભ આપવામાં આવશે, જેથી અસરગ્રસ્ત ધંધાર્થીઓ ઝડપથી આર્થિક રીતે ફરી ઉભા થઈ શકે.

અસરગ્રસ્ત પરિવારોને પણ રાહત
સરકારે પૂરગ્રસ્ત પરિવારોને કેશ ડોલ અને ઘરવખરી સહાયનું વિતરણ પણ ઝડપી બનાવ્યું છે. અત્યાર સુધીમાં 19 હજારથી વધુ નાગરિકોને સહાય ચૂકવવામાં આવી હોવાનું જણાવાયું છે.

પૂર બાદ શહેરમાં સ્વચ્છતા અને આરોગ્ય વ્યવસ્થા ઝડપથી સામાન્ય બને તે માટે મોટા પાયે સફાઈ અભિયાન, ડોર-ટુ-ડોર આરોગ્ય તપાસ અને મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. હજારો સફાઈ કર્મચારીઓ સતત કામગીરી કરી રહ્યા છે. રાજ્ય સરકારના આ રાહત પેકેજથી પૂરના કારણે નુકસાન ભોગવનારા વેપારીઓ અને પરિવારોને આર્થિક સંબળ મળશે અને તેઓ ફરીથી સામાન્ય જીવન અને વ્યવસાય તરફ આગળ વધી શકશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.