અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, લોકોને ગરમીથી રાહત



અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, લોકોને ગરમીથી રાહત



અમદાવાદ: રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય બનતા મેઘરાજાએ અનેક જિલ્લાઓમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. લાંબા સમયથી અનુભવાતી કાળઝાળ ગરમી અને ઉકળાટ વચ્ચે પડેલા વરસાદે લોકોને રાહતનો અનુભવ કરાવ્યો છે. અમદાવાદ જિલ્લાના ધંધુકા અને આસપાસના વિસ્તારોમાં સાંજના સમયે ભારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદના કારણે માર્ગો પર પાણી વહેતા જોવા મળ્યા હતા, જ્યારે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ સર્જાયો હતો. ખેતી માટે અનુકૂળ વાતાવરણ સર્જાતા આગામી વાવણી અંગે આશાવાદ વધ્યો છે.
ખેડા જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદ નોંધાયો હતો. વરસાદના પાણીથી શેઢી નદીમાં નવા નીર આવ્યા હતા. ડાકોર અને વણોતીને જોડતા માર્ગ પર આવેલા ડાયવર્ઝન ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર પહોંચી હતી અને સલામતીના ભાગરૂપે માર્ગ વ્યવસ્થામાં ફેરફાર કરવો પડ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. વડોદ, વસ્તડી અને ટુવા સહિતના ગામોમાં સારો વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.
નડિયાદ શહેરમાં પણ વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો હતો. ભારે પવન સાથે પડેલા વરસાદથી શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. મહુધા અને મહેમદાવાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં નોંધાયા હતા. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



