જામનગરમાં સંત રવિદાસજી મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે ભાજપ દ્વારા ભવ્ય દીપોત્સવ યોજાયો


જામનગરમાં સંત રવિદાસજી મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે ભાજપ દ્વારા ભવ્ય દીપોત્સવ યોજાયો


જામનગર: ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા સંત શિરોમણી શ્રી રવિદાસજી મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે શહેરના તમામ 16 વોર્ડમાં સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત ભવ્ય દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો, ભાજપના કાર્યકરો અને આગેવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

વોર્ડ નંબર-1 ખાતે યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં જામનગર શહેર ભાજપ અધ્યક્ષા બિનાબેન કોઠારી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સંત રવિદાસજી મહારાજના જીવન, તેમના સામાજિક સમરસતા, સમાનતા અને માનવસેવાના વિચારો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. સાથે જ સમરસતા સંકલ્પ અભિયાનનો હેતુ અને સમાજમાં એકતા મજબૂત બનાવવાના સંદેશનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
વક્તાઓએ સંત રવિદાસજીનું પ્રખ્યાત વાક્ય "એસા ચાહૂં રાજ મૈં જહાં મિલૈ સબન કો અન્ન, છોટ બડો સબ સમ બસૈ..." યાદ કરતાં જણાવ્યું કે સમાજમાં સમાનતા અને અંત્યોદયનો જે સંદેશ સંત રવિદાસજીએ આપ્યો હતો, તે જ ભાવનાને ભારતીય જનતા પાર્ટી પોતાની જનકલ્યાણકારી યોજનાઓ અને વિકાસકાર્યો દ્વારા સાકાર કરી રહી છે.

તેમણે જણાવ્યું કે 'સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ'નો મંત્ર પણ સંત રવિદાસજીના સમરસતાના વિચારોને પ્રતિબિંબિત કરે છે અને સરકાર તે જ દિશામાં કાર્યરત છે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પૂર્વ મેયર વિનોદભાઈ ખીમસૂરિયા (ઇન્ચાર્જ) તેમજ સહ-ઇન્ચાર્જ તરીકે શહેર ભાજપ ઉપાધ્યક્ષ વિજયભાઈ પરમાર, દયાબેન પરમાર, શહેર મંત્રી નીતાબેન પરમાર અને અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ચંદ્રગુપ્ત રાઠોડ સહિતના આગેવાનોએ આયોજનની જવાબદારી સંભાળી હતી.




