ઝૂંડાલના મંદિરમાં ચોરી કરતી ગેંગના 3 આરોપીની ધરપકડ, 20 હજાર રોકડા જપ્ત



ઝૂંડાલના મંદિરમાં ચોરી કરતી ગેંગના 3 આરોપીની ધરપકડ, 20 હજાર રોકડા જપ્ત



Gandhinagar Police: ગાંધીનગર જિલ્લામાં અલગ અલગ મંદિરોમાં ચોરી કરતી ગેંગને પોલીસે ઝડપી પાડી છે. જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ સમગ્ર મામલે માહિતી આપતા જણાવ્યું કે, મંદિર ચોરીમાં સંડોવાયેલા મૂળ રાજસ્થાનના ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ તપાસ મુજબ, આરોપીઓ મોજશોખ અને પોતાના ખર્ચા પૂરા કરવા માટે મંદિરોને નિશાન બનાવી ચોરીની ઘટનાઓને અંજામ આપતા હતા. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં બનેલી મંદિર ચોરીની ઘટનાઓ બાદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી.
આ મામલે ગાંધીનગરના જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી માહિતી આપતા જણાવે છે કે, ઝૂંડાલ ગામમાં ઘરફોળ કરવાનો પ્રયાસ કરનારી એક ટોળકીને લોકોએ ઝડપી પાડી હતી. ત્યારબાદ આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ત્રણે આરોપીને ઝડપી પાડ્યા હતા અને તેમણે મંદિરમાંથી ચોરી કરેલા 20 હજાર રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા.
તેઓ વધુમાં જણાવે છે કે, આ કેસની તપાસ દરમિયાન અન્ય ત્રણ ગુના પણ ડિટેક્ટ થયા છે. જેમાંથી બે અડાલજ પોલીસ સ્ટેશનના છે અને એક ગુનો કલોલ તાલુકા પોલીસ સ્ટેશનનો છે. આરોપી દિનેશ મીણા, જીવાભાઈ મીણા અને રાકેશ મીણા ત્રણેય મૂળ રાજસ્થાનના રહેવાસી છે. જેમાંથી દિનેશ મીણા સામે રાજસ્થાનમાં ભૂતકાળમાં 7 ગુના નોંધાયેલા છે.




