Get News Alerts

Never miss breaking news updates.

દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો

દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે ખેડૂતોની મુશ્કેલીઓ વધી ગઈ છે. સુરત અને ભરૂચ જિલ્લામાં ડાંગરનો તૈયાર પાક હજુ ખેતરમાં ઉભો હોવાથી વરસાદની ભીતિએ જગતના તાતને ચિંતામાં મૂકી દીધા છે. પાકને બચાવવા માટે ખેડૂતો હવે હાઈવે અને મુખ્ય રસ્તાઓ પર ડાંગર સૂકવવા મજબૂર બન્યા છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં અનોખી પરિસ્થિતિ સર્જાઈ છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 24 May 2026 02:28 PM IST
દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારોદક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો

ગુજરાત: દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર જગતના તાત એટલે કે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવતા સુરત અને ભરૂચ જિલ્લાના ડાંગર પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. એક તરફ ચોમાસાના આગમનના એંધાણ છે તો બીજી તરફ પાક હજુ ખેતરમાં ઉભો હોવાથી તેને બચાવવા ખેડૂતો મજબૂર બન્યા છે અને હાઈવે તેમજ મુખ્ય રસ્તાઓ પર ડાંગર સૂકવવા મજબૂરી ઉભી થઈ છે.

રસ્તાઓ બન્યા ખેતર જેવા

સુરત અને ભરૂચ જિલ્લાના સ્ટેટ હાઈવે અને આંતરિક રસ્તાઓ પર ડાંગર સૂકવવામાં આવતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. માવઠાની ભીતિ વચ્ચે ખેડૂતો યુદ્ધના ધોરણે લણણી કરી રહ્યા છે, કારણ કે ખેતરમાં ભેજ હોવાને કારણે પાક બગડવાનો ડર સતત સતાવી રહ્યો છે.

મંડળીના નિયમો અને ભેજની સમસ્યા

ખેડૂતોના જણાવ્યા મુજબ મંડળી અને વેપારીઓ ભેજનું પ્રમાણ ચકાસીને જ પાક સ્વીકારે છે. જો ભેજ 16 ટકાથી વધુ હોય તો માલ રિજેક્ટ કરવામાં આવે છે અથવા યોગ્ય ભાવ મળતો નથી. આ કારણે ખેડૂતો હાઈવેનો સહારો લઈ પાક સૂકવવા મજબૂર બન્યા છે.

“માવઠાની બીક છે. જો વરસાદ પડે તો આખું વર્ષ કરેલી મહેનત બગડી જાય. રોડ ગરમ હોવાથી ડાંગર ઝડપથી સુકાય છે અને મંડળીમાં સારો ઉતારો મળે છે.”

બીજા ખેડૂતોએ પણ જણાવ્યું કે વરસાદ પડે તો ખેતરમાં રાખેલો પાક સંપૂર્ણ નિષ્ફળ જાય છે, જ્યારે રસ્તા પર સૂકવવાથી થોડી આશા રહે છે કે પાક બચી શકે.

“જીવના જોખમે પણ અમે રસ્તા પર ડાંગર સૂકવવા મજબૂર છીએ, કારણ કે પાક બચાવવો જ જરૂરી છે.”

મંડળીમાં લાંબી લાઈનો અને વ્યવસ્થાની કસોટી

બીજી તરફ મંડળીમાં પાક વેચવા માટે ટ્રેક્ટરોની લાંબી કતારો લાગી છે, જેના કારણે ખેડૂતોને કલાકો સુધી રાહ જોવી પડી રહી છે. મંડળીના પ્રમુખે ખેડૂતોને તાત્કાલિક પાક સંગ્રહ કરવા અપીલ કરી છે.

“જે ખેડૂતોનો પાક તૈયાર થઈ ગયો છે તેઓ તાત્કાલિક મંડળીમાં જમા કરાવે, જેથી કમોસમી વરસાદથી નુકસાન ટાળી શકાય.”

દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે ખેડૂતો પોતાની વર્ષભરની મહેનત બચાવવા દિવસ-રાત એક કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર અને મંડળી વ્યવસ્થા કેટલી ઝડપી કરે છે, જેથી ખેડૂતોને વધુ નુકસાન વેઠવું ન પડે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.