CM ભૂપેન્દ્ર પટેલની પ્રશંસનીય પહેલ, ટૂંકો કાફલો રાખી આપ્યો ઈંધણ બચતનો સંદેશ



CM ભૂપેન્દ્ર પટેલની પ્રશંસનીય પહેલ, ટૂંકો કાફલો રાખી આપ્યો ઈંધણ બચતનો સંદેશ



ગાંધીનગર : અમરેલી જિલ્લામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાદગી અને કિફાયતનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પેટ્રોલ-ડીઝલ બચાવવાની અપીલ બાદ મુખ્યમંત્રીએ પોતાના સુરક્ષા કાફલામાં મોટો ઘટાડો કરીને રાજુલા ખાતે કાર્યક્રમમાં હાજરી આપી હતી.
સામાન્ય રીતે મુખ્યમંત્રીના કોન્વોયમાં મોટી સંખ્યામાં વાહનો જોડાતા હોય છે, પરંતુ આ વખતે ભૂપેન્દ્ર પટેલે કાફલામાં આવતા 10થી વધુ વાહનો દૂર કરાવી માત્ર 2 કારના સામાન્ય કાફલા સાથે કાર્યક્રમ સ્થળે પહોંચવાનો નિર્ણય લીધો હતો. મુખ્યમંત્રીના આ પગલાને ઈંધણ બચત અને કિફાયત તરફનો મહત્વપૂર્ણ સંદેશ માનવામાં આવી રહ્યો છે.
રાજુલામાં મુખ્યમંત્રીને સાદા અને ટૂંકા કાફલા સાથે પહોંચતા જોઈ સ્થાનિક લોકોમાં ભારે આદર અને પ્રશંસા જોવા મળી હતી. લોકોનું માનવું છે કે રાજ્યના વડા તરીકે ભૂપેન્દ્ર પટેલે જે રીતે સાદગી દાખવી છે તે અન્ય જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ માટે પણ પ્રેરણારૂપ બની શકે છે.
મુખ્યમંત્રીની આ પહેલથી હવે સરકારના અન્ય વિભાગો અને VVIP વર્ગમાં પણ ઈંધણ બચત અને અનાવશ્યક ખર્ચ ઘટાડવા અંગે ચર્ચા તેજ બની છે.




