અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચનું ઓપરેશન : કુખ્યાત ધમા બારડ ઝડપાયો, ભાગવાના પ્રયાસમાં પગમાં ગોળી વાગી



અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચનું ઓપરેશન : કુખ્યાત ધમા બારડ ઝડપાયો, ભાગવાના પ્રયાસમાં પગમાં ગોળી વાગી



અમદાવાદ :અમદાવાદ શહેરમાં લાંબા સમયથી પોલીસને ચકમો આપતો કુખ્યાત આરોપી ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમા બારડ આખરે ક્રાઈમ બ્રાન્ચના જાળમાં સપડાયો છે. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના પ્રયાસ સહિત અનેક ગંભીર ગુનાઓમાં વોન્ટેડ ચાલતા ધમા બારડને ઝડપી પાડવા ક્રાઈમ બ્રાન્ચે સોલા સાયન્સ સિટી રોડ વિસ્તારમાં ખાસ ઓપરેશન હાથ ધર્યું હતું.
ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ધમા બારડ સોલા પોલીસ સ્ટેશન વિસ્તારની સાયન્સ સિટી રોડ પર આવેલી એક હોટલમાં છુપાયો છે. બાતમીના આધારે પોલીસ ટીમે હોટલ આસપાસ વોચ ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન પોલીસે આરોપીને ઝડપી પાડવાનો પ્રયાસ કરતાં ધમા બારડે પોલીસ સાથે ઝપાઝપી શરૂ કરી હતી.
આરોપીએ પોલીસ કર્મચારીની પિસ્તોલ છીનવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાસ્થળે અફરાતફરી વચ્ચે પિસ્તોલમાંથી ગોળી છૂટતા ધમા બારડના પગમાં વાગી હતી. ત્યારબાદ પોલીસે તેને કાબૂમાં લઈ તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો.
ક્રાઈમ બ્રાન્ચના PI આઈ.એન. ધાસુરાએ જણાવ્યું હતું કે ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમા બારડ સામે અમદાવાદ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ 26 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. જેમાં હત્યા, હત્યાનો પ્રયાસ, ધાડ, તોડબાજી, રમખાણો, ગેરકાયદેસર હથિયારો રાખવા તેમજ દારૂબંધી કાયદાના ગુનાઓનો સમાવેશ થાય છે. લાંબા સમયથી ફરાર રહેલો ધમો પોલીસ માટે માથાનો દુખાવો બન્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ ધરપકડથી બચવા માટે પોલીસ ટીમ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આત્મરક્ષાના ભાગરૂપે થયેલી કાર્યવાહીમાં તેના પગમાં ગોળી વાગી હતી. હાલ આરોપીની સારવાર ચાલી રહી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
કુખ્યાત ધમા બારડની ધરપકડ બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી હોવાનું માનવામાં આવી રહ્યું છે.




