મોડાસાની પહાડપુર સેવા મંડળીમાં ગેરરીતિના આક્ષેપ, ખેડૂતોના નામે ધિરાણ મેળવવાનો આક્ષેપ



મોડાસાની પહાડપુર સેવા મંડળીમાં ગેરરીતિના આક્ષેપ, ખેડૂતોના નામે ધિરાણ મેળવવાનો આક્ષેપ



Aravalli News: અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના પહાડપુર સેવા મંડળીમાં ગેરરીતિના આક્ષેપોને લઈ હોબાળાનો મામલો સામે આવ્યો છે. ખેડૂતોના નામે ખોટી રીતે ધિરાણ મેળવવામાં આવ્યું હોવાના આક્ષેપો વચ્ચે સમગ્ર મામલો ગરમાયો છે.
આ મામલે મંડળીના ચેરમેન ભરત પટેલે ખુલાસો આપતા જણાવ્યું છે કે, ડીએમઆરમાં સભાસદની સહી બાદ જ ધિરાણ ઉપાડવામાં આવે છે અને ચેરમેન કે સેક્રેટરીને ધિરાણ ઉપાડવાની કોઈ સત્તા નથી.
ચેરમેનના જણાવ્યા મુજબ, ‘રાજકીય રીતે અમારા પર કાદવ ઉછાળવાનો પ્રયાસ થઈ રહ્યો છે.’ તેમજ તેમણે ઉમેર્યું કે, નિયમ મુજબ જાહેરનામું પ્રસિદ્ધ કરીને સમિતિ રચવામાં આવી છે.
પહાડપુર સેવા મંડળીમાં થયેલા ગેરરીતિના આક્ષેપોને લઈને હાલ સ્થિતિ તંગ બની છે અને આ સમગ્ર મામલે વધુ તપાસની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ખેડૂતોના નામે ખોટી રીતે ધિરાણ લઈને ગેરરીતિ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મંડળના સત્તાધીશો સામે ખોટી રીતે ગેરરીતિ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અલગ અલગ ખેડૂતોના નામે 20 લાખથી વધુ રૂપિયાની ઉચાપત કરવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. ખેડૂતોએ ગામમાં સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી હતી અને પહાડપુર સેવા મંડળીના શટર બંધ કરી વિરોધ દર્શાવ્યો હતો.
આ ઉપરાંત ચાલુ કમિટીની જાણ બહાર ખોટી કમિટી રચી ગેરરીતિ કરી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. ખેડૂતોએ મોડાસા ટાઉન પોલીસ અને જિલ્લા રજિસ્ટ્રારને આ મામલે લેખિત અરજી પણ કરી હતી.




