ભાડા કરાર ટ્રેક્ટર કૌભાંડનો પર્દાફાશ, 6 આરોપી ઝડપાયા; ₹4 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત


ભાડા કરાર ટ્રેક્ટર કૌભાંડનો પર્દાફાશ, 6 આરોપી ઝડપાયા; ₹4 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત


અરવલ્લી જિલ્લામાં ભાડા કરાર પર ટ્રેક્ટર લેવાના કૌભાંડમાં પોલીસને મોટી સફળતા મળી છે. LCB, માલપુર અને મેઘરજ પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં પોલીસે કુલ 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ખેડૂતો પાસેથી ભાડા કરાર પર ટ્રેક્ટરો મેળવ્યા બાદ તેને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સસ્તા ભાવે વેચી દેતા હતા.
મળતી માહિતી મુજબ, માલપુર અને મેઘરજ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદોના આધારે પોલીસે સમગ્ર કૌભાંડની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસને આરોપીઓ દ્વારા ખેડૂતો પાસેથી ભાડે લીધેલા ટ્રેક્ટરોની હેરાફેરી કરી તેને અન્ય સ્થળોએ વેચી દેવામાં આવતા હોવાની વિગતો મળી હતી.
પોલીસે કાર્યવાહી દરમિયાન કુલ 20 ટ્રેક્ટર, 1 JCB અને 10 ટ્રેક્ટર ટોલી સહિત ₹4 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સમગ્ર કાર્યવાહીમાં LCB સહિત માલપુર અને મેઘરજ પોલીસની ટીમોએ સંયુક્ત રીતે કામગીરી કરી હતી.
ઝડપાયેલા તમામ 6 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે પોલીસ દ્વારા રિમાન્ડ દરમિયાન આરોપીઓની પૂછપરછ કરી કૌભાંડમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને ખેડૂતો પાસેથી મેળવેલા વાહનો ક્યાં-ક્યાં વેચવામાં આવ્યા છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આ સમગ્ર કૌભાંડમાં અન્ય સંડોવાયેલા શખ્સો સુધી પહોંચવા માટે અરવલ્લી પોલીસ દ્વારા તપાસ વધુ તેજ બનાવવામાં આવી છે.




