ટીંટોઈ વિસ્તારમાં LCBની મોટી કાર્યવાહી, ₹7.90 લાખનો વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ


ટીંટોઈ વિસ્તારમાં LCBની મોટી કાર્યવાહી, ₹7.90 લાખનો વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ


ટીંટોઈ પોલીસ વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા વિદેશી દારૂ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. LCBની ટીમે ફિલ્મી ઢબે દારૂ ભરેલી મારૂતી સ્વિફ્ટ કારનો પીછો કરી નાની ઇસરોલ ગામની સીમમાંથી કારને ઝડપી પાડી હતી. પોલીસની કાર્યવાહી દરમિયાન કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પ્રાથમિક માહિતી મુજબ, LCB પોલીસે મારૂતી સ્વિફ્ટ કારમાંથી કુલ ₹7.90 લાખની કિંમતનો વિદેશી દારૂ અને કાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે 222 બોટલ/ટીન વિદેશી દારૂનો જથ્થો પણ જપ્ત કર્યો છે. આ સમગ્ર કાર્યવાહી નાની ઇસરોલ ગામની સીમમાં કરવામાં આવી હતી.
જોકે, પોલીસની ટીમને જોઈને કારમાં સવાર બે આરોપીઓ કાર છોડીને ફરાર થઈ ગયા હતા. પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે અને તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
આ કાર્યવાહી અરવલ્લી LCB દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર મામલે ટીંટોઈ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ દ્વારા કબજે કરાયેલા વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેને ક્યાં પહોંચાડવાનો હતો, તે સહિતના મુદ્દાઓને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ ફરાર થયેલા બંને આરોપીઓની ઓળખ કરી તેમને ઝડપી પાડવા માટે પોલીસની ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.




