મહિલાને ગળે ટૂંપો આપી હત્યા કરનારા યુવકની ધરપકડ, સરખેજ પોલીસની મોટી કાર્યવાહી



મહિલાને ગળે ટૂંપો આપી હત્યા કરનારા યુવકની ધરપકડ, સરખેજ પોલીસની મોટી કાર્યવાહી



Ahmedabad Police: અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ફતેહવાડી એરિયામાં એક મકાનમાંથી એક મહિલાની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસ તપાસ અને પીએમ રિપોર્ટમાં જાણવા મળ્યું કે, આ મહિલાને ગળાફાંસો આપીને તેની હત્યા કરવામાં આવી હતી. આ મામલે મૃતકની માતા મહઝબીને ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, જમાલપુરના રહેવાસી યાસીન આબિદ હુસૈન નામના વ્યક્તિને આ મૃતક મહિલા સાથે સંબંધો હતા. યાસીન પોતે પરિણીત છે અને તેને બે બાળકો પણ છે. તેણે મૃતક મહિલાને લગ્ન કરવાનો ભરોસો આપીને તેની સાથે રહેતો હતો. 5 તારીખની રાત્રે સાડા બાર વાગ્યાની આસપાસ તે જ્યારે મહિલાના ઘરે આવ્યો ત્યારે બંને વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ઝઘડા દરમિયાન યાસીને મહિલાએ પહેરેલા ડ્રેસની પાછળ બાંધવાની દોરીથી જ ગળેટૂંપો આપીને તેની હત્યા કરી નાખી હતી.
પોલીસે ટેક્નિકલ સોર્સ અને હ્યુમન સોર્સની મદદથી આરોપી યાસીનની ધરપકડ કરી લીધી છે. આરોપી યાસીન પશુઓની લે-વેચમાં કમિશનર તરીકે કામ કરે છે અને તે અગાઉ ખેડા અને વટવા પોલીસ સ્ટેશનમાં જુગારના ગુનામાં પણ પકડાઈ ચૂક્યો છે. જ્યારે મૃતક મહિલાના અગાઉ ઈમરાન નામના વ્યક્તિ સાથે લગ્ન થયા હતા, જેનાથી તેને બે બાળકો છે અને ત્યારબાદ તેના છૂટાછેડા થતા તે તેની માતા સાથે એકલી રહેતી હતી.




