NEETનું પેપર આપવાની લાલચ આપી પૈસા ઉઘરાવતી ગેંગ ઝડપાઈ, ત્રણ આરોપીની ધરપકડ



NEETનું પેપર આપવાની લાલચ આપી પૈસા ઉઘરાવતી ગેંગ ઝડપાઈ, ત્રણ આરોપીની ધરપકડ



Ahmedabad Cyber Crime Branch: દેશભરમાં યોજાતી NEETની પરીક્ષાને લઈને અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાન્ચે મોટો ખુલાસો કર્યો છે. ટેલિગ્રામ ચેનલો મારફતે NEET પેપર લીકના ખોટા દાવા કરી વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
આ મામલે રાજસ્થાનના બે અને બિહારના એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓએ આશરે એક હજાર જેટલા વિદ્યાર્થીઓ પાસેથી દોઢ કરોડ રૂપિયાથી વધુની રકમ પડાવી હતી. આ સાથે જ NEET રિફંડ ફ્રોડ મામલે પણ મહત્વના ખુલાસા થયા છે.
અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાન્ચે NEET પરીક્ષા સંબંધિત સાયબર છેતરપિંડીના બે અલગ અલગ કેસોમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પ્રથમ કેસમાં રાજસ્થાનના આકાશ મીણા અને સુમેરસિંહ મીણાએ કુલ આઠ ટેલિગ્રામ ચેનલો બનાવી NEET પેપર લીક થયાના ખોટા દાવાઓ કર્યા હતા. ગ્રુપમાં ફેક મેસેજ અને બનાવટી સફળતાના દાવા કરીને વિદ્યાર્થીઓનો વિશ્વાસ જીતવામાં આવતો હતો.
આરોપીઓ વિદ્યાર્થીઓને પેપર મેળવવા માટે એડવાન્સ રકમ જમા કરાવવા પ્રેરતા હતા. ગેમિંગ એપ્લિકેશન અને વિવિધ એકાઉન્ટ્સ મારફતે પૈસા એકત્ર કરવામાં આવતા હતા. તપાસમાં સામે આવ્યું છે કે, અંદાજે એક હજાર વિદ્યાર્થીઓ પાસેથી આશરે દોઢ કરોડ રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા.
બીજા કેસમાં NEET UG-2026 રિફંડ ફી સાથે છેતરપિંડી કરનાર બિહારના 19 વર્ષીય નવીનકુમાર શંકર પ્રસાદની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ ઉમેદવારોના પોર્ટલ એકાઉન્ટ પર બ્રુટફોર્સ એટેક કરીને પાસવર્ડ ક્રેક કર્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓના એકાઉન્ટમાં ગેરકાયદેસર લોગિન કરીને તેમના પાસવર્ડ બદલી નાખ્યા હતા અને NTA દ્વારા મળવાપાત્ર રિફંડની રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં આશરે 150 વિદ્યાર્થીઓના રિફંડની રકમ ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જો કે, તપાસ આગળ વધતાં આ આંકડો વધી શકે છે.
આ સમગ્ર મામલે NTAના ડાયરેક્ટર આકાશ જૈને સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, NTAની છબીને નુકસાન પહોંચાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેમણે વિદ્યાર્થીઓને વિશ્વાસ અપાવ્યો કે, આ વર્ષે NEET પરીક્ષા માટે હાઈ સિક્યુરિટી વ્યવસ્થા કરવામાં આવી છે અને પેપર લીક થવાની કોઈ શક્યતા નથી. પરીક્ષા પ્રક્રિયાને વધુ સુરક્ષિત બનાવવા અનેક સુધારા અને ટુ-વે કોમ્યુનિકેશન સિસ્ટમને પણ મજબૂત બનાવવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું.




