ગજરાજોના પરંપરાગત પૂજન સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ભવ્ય પ્રારંભની તૈયારીઓ પૂર્ણ


ગજરાજોના પરંપરાગત પૂજન સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ભવ્ય પ્રારંભની તૈયારીઓ પૂર્ણ


ભગવાન શ્રી જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રાની પૂર્વ સંધ્યાએ શહેરમાં ગજરાજોના પરંપરાગત પૂજનનો ધાર્મિક અને ભક્તિમય કાર્યક્રમ યોજાયો. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા મુજબ ગજરાજો ભગવાન જગન્નાથજીની રથયાત્રાની આગેવાની કરે છે અને રથયાત્રાના સફળ આયોજનનું પ્રતિક માનવામાં આવે છે. ગજરાજોના વિધિવત્ પૂજન દરમિયાન ભગવાન જગન્નાથજીની રથયાત્રા હેમખેમ અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તેમજ સમગ્ર રાજ્યમાં સુખ, સમૃદ્ધિ અને કલ્યાણનો આશીર્વાદ વરસે તેવી પ્રાર્થના કરવામાં આવી.
અમદાવાદની જગપ્રસિદ્ધ રથયાત્રા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્રના દર્શન કરવા ઉમટી પડતા હોવાથી પ્રશાસન દ્વારા વ્યાપક સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાની તૈયારીઓ કરવામાં આવી છે. પોલીસ, અર્ધલશ્કરી દળો અને વિવિધ સરકારી વિભાગોના કર્મચારીઓ યાત્રાને સુરક્ષિત અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન કરવા માટે તૈનાત રહેશે. સાથે જ આરોગ્ય, અગ્નિશામક અને આપત્તિ વ્યવસ્થાપનની ટીમોને પણ સતર્ક રાખવામાં આવી છે.
પ્રશાસન દ્વારા ભાવિકોને શાંતિપૂર્ણ રીતે ભગવાનના દર્શન કરવા, નિયમોનું પાલન કરવા અને પ્રસાદનો લાભ વ્યવસ્થિત રીતે લેવા અપીલ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે રથયાત્રા માત્ર ધાર્મિક આસ્થા પૂરતી સીમિત નથી, પરંતુ સદભાવ, શાંતિ, એકતા અને ભાઈચારાનો જીવંત સંદેશ આપતો લોકઉત્સવ છે.
આ પ્રસંગે સૌને ધર્મ, જાતિ અને કોમના ભેદભાવથી ઉપર ઊઠીને "જગન્નાથમય" બની રથયાત્રાના પાવન પર્વની ઉજવણી કરવાનો સંદેશ આપવામાં આવ્યો. શહેરમાં ભક્તિ, ઉત્સાહ અને શ્રદ્ધાના માહોલ વચ્ચે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાને લઈને ભાવિકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.




