નેપાળમાં સાંપ્રદાયિક હિંસા ભડકી: 6થી વધુ શહેરોમાં કર્ફ્યૂ, 3ના મોત, સેનાએ સંભાળ્યો મોરચો


નેપાળમાં સાંપ્રદાયિક હિંસા ભડકી: 6થી વધુ શહેરોમાં કર્ફ્યૂ, 3ના મોત, સેનાએ સંભાળ્યો મોરચો


Nepal Communal Violence: નેપાળના સુનસરી જિલ્લામાં શરૂ થયેલી સાંપ્રદાયિક હિંસાએ હવે સમગ્ર દેશમાં ચિંતાજનક સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા ચાર દિવસમાં હિંસા, આગચંપી, પથ્થરમારો અને પોલીસ સાથે અથડામણની અનેક ઘટનાઓ સામે આવી છે. હાલત એટલી ગંભીર બની ગઈ છે કે છથી વધુ શહેરોમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે અને સંવેદનશીલ વિસ્તારોમાં નેપાળી સેનાને તૈનાત કરવામાં આવી છે.
હિંસામાં અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં સ્થાનિક નાગરિકો, પ્રદર્શનકારીઓ તેમજ સુરક્ષા દળના જવાનોનો પણ સમાવેશ થાય છે. અનેક દુકાનો, વાહનો અને સરકારી-ખાનગી મિલકતોને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.
માહિતી અનુસાર, સુનસરી જિલ્લાના દેવાંગંજ વિસ્તારમાં બોલબમ યાત્રા દરમિયાન હિંદુ શ્રદ્ધાળુઓ અને સ્થાનિક મુસ્લિમ સમુદાય વચ્ચે વિવાદ સર્જાયો હતો. મંદિરની જમીન પર મુકાયેલા મુહર્રમના ધ્વજને લઈને અગાઉથી મતભેદ ચાલતા હોવાનું સ્થાનિકોનું કહેવું છે. આ મુદ્દે બંને પક્ષ આમને-સામને આવી જતા પરિસ્થિતિ હિંસક બની ગઈ હતી.
વિવાદ વધતા પોલીસને બળપ્રયોગ કરવો પડ્યો હતો. ત્યારબાદ હિંસા અન્ય શહેરોમાં પણ ફેલાઈ ગઈ હતી. ઇનરવા, જનકપુર, સિરહા, ગોલબજાર અને લહાન સહિત અનેક શહેરોમાં કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસ સાથે સશસ્ત્ર પોલીસ દળ અને નેપાળી સેનાને પણ તૈનાત કરવામાં આવી છે. હેલિકોપ્ટર દ્વારા હવાઈ નિરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે.
નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે દેશના નાગરિકોને શાંતિ, સામાજિક સૌહાર્દ અને ભાઈચારો જાળવી રાખવાની અપીલ કરી છે. બીજી તરફ, વિરોધ પક્ષે સરકાર પર સમયસર કાર્યવાહી ન કરવાનો આરોપ લગાવ્યો છે. સરકારે હિંસામાં સામેલ તત્વો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. ચાર દિવસથી ચાલતી અશાંતિના કારણે બજારો બંધ છે, જાહેર પરિવહન પ્રભાવિત થયું છે અને શૈક્ષણિક સંસ્થાઓ પણ બંધ રાખવામાં આવી છે. હજારો લોકો ભયના માહોલમાં પોતાના ઘરોમાં રહેવા મજબૂર બન્યા છે.




