વિરમગામમાં સ્ટેટ હાઇવે નં. 17 પર વિશાળ દબાણ હટાવ કામગીરી, 4000 ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત



વિરમગામમાં સ્ટેટ હાઇવે નં. 17 પર વિશાળ દબાણ હટાવ કામગીરી, 4000 ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત



વિરમગામ: વિરમગામ શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઇવે નં. 17 પર ગંગાસર તળાવ નજીક રોડ વિસ્તરણના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અંતર્ગત દબાણ દૂર કરવાની વિશાળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા વહીવટીતંત્ર, માર્ગ અને મકાન વિભાગ તથા પોલીસ વિભાગના સંયુક્ત પ્રયાસોથી સમગ્ર કામગીરી શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર ગંગાસર તળાવ નજીક આશરે 400 મીટરના રોડ પટ્ટા પર આવેલા ધાર્મિક સ્ટ્રક્ચરો, દુકાનો તેમજ કબ્રસ્તાનને લગતા દબાણો સામે કાયદેસરની કાર્યવાહી કરીને ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન અંદાજે 4000 ચોરસ મીટર જેટલી સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી છે.
રોડ વિસ્તરણ અને જાહેર હિતને ધ્યાનમાં રાખીને છેલ્લા બે મહિનાથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુનિયોજિત આયોજન કરવામાં આવ્યું હતું. કામગીરીની સંવેદનશીલતા અને પડકારજનક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વિવિધ સમાજોના આગેવાનો, ધાર્મિક પ્રતિનિધિઓ અને સ્થાનિક નાગરિકો સાથે સતત બેઠકો અને ચર્ચાઓ યોજી તમામ સંબંધિત પક્ષોને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા.
તંત્ર દ્વારા કાયદેસરની તમામ પ્રક્રિયાનું પાલન કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર કામગીરી દરમિયાન સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 1 ડીવાયએસપી, 15 પોલીસ ઇન્સ્પેક્ટર સહિત 550થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગના સંકલિત પ્રયાસોના પરિણામે વિરમગામ શહેરની સૌથી મોટી અને પડકારજનક ડિમોલિશન કામગીરી પૈકીની એક કામગીરી કોઈ અનિચ્છનીય બનાવ વિના સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. સમગ્ર પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે જાળવવામાં આવી હતી.




