Get News Alerts

Never miss breaking news updates.

ચાલુ ટ્રેનમાં પ્રસૂતિ કરાવી મહિલા ડૉક્ટરે બચાવ્યા બે કિંમતી જીવ, વિરમગામમાં માનવતાનું અનોખું ઉદાહરણ

અમદાવાદથી સુરેન્દ્રનગર જતી ટ્રેનમાં ગર્ભવતી મહિલાને અચાનક પ્રસૂતિ પીડા ઉપડતા વિરમગામ સરકારી હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડૉ. અદિતિબેન પાઠકે ટ્રેનમાં જ સફળ ડિલિવરી કરાવી હતી. મર્યાદિત સુવિધાઓ વચ્ચે માતા અને નવજાત બાળકનો જીવ બચાવી ડૉક્ટરે માનવતા અને ફરજપરસ્તીનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 02 Jun 2026 02:32 PM IST
ચાલુ ટ્રેનમાં પ્રસૂતિ કરાવી મહિલા ડૉક્ટરે બચાવ્યા બે કિંમતી જીવ, વિરમગામમાં માનવતાનું અનોખું ઉદાહરણચાલુ ટ્રેનમાં પ્રસૂતિ કરાવી મહિલા ડૉક્ટરે બચાવ્યા બે કિંમતી જીવ, વિરમગામમાં માનવતાનું અનોખું ઉદાહરણ

વિરમગામ : વિરમગામ સરકારી હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડૉ. અદિતિબેન પાઠકે ફરજપરસ્તી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અમદાવાદથી સુરેન્દ્રનગર જતી ટ્રેનમાં મુસાફરી દરમિયાન એક ગર્ભવતી મહિલાને અચાનક પ્રસૂતિ પીડા ઉપડતા ડૉક્ટરે મર્યાદિત સુવિધાઓ વચ્ચે ટ્રેનમાં જ સફળતાપૂર્વક ડિલિવરી કરાવી માતા અને નવજાત બાળકનો જીવ બચાવ્યો હતો.

મળતી માહિતી મુજબ આરતીબેન ભરતભાઈ દેવીપૂજક નામની મહિલાને ટ્રેનમાં મુસાફરી દરમિયાન અચાનક પ્રસૂતિની પીડા શરૂ થઈ હતી. પરિસ્થિતિ ગંભીર બનતા ટ્રેનમાં હાજર ડૉ. અદિતિબેન પાઠક તાત્કાલિક મદદ માટે આગળ આવ્યા હતા.

મર્યાદિત સાધનો અને સુવિધાઓ વચ્ચે ડૉ. અદિતિબેને શાંતિ અને કુશળતા સાથે પ્રસૂતિ પ્રક્રિયા પૂર્ણ કરી હતી. તેમની સમયસૂચકતા અને ઝડપી નિર્ણયશક્તિના કારણે માતા અને નવજાત બાળક બંને સુરક્ષિત રહ્યા હતા.

પ્રસૂતિ બાદ માતા અને બાળકને વિરમગામ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બંનેની તબિયત હાલ સ્થિર અને સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે.

ડૉ. અદિતિબેન પાઠકની નિઃસ્વાર્થ સેવા, ફરજ પ્રત્યેની નિષ્ઠા અને માનવતાભર્યા કાર્યને લઈ લોકોમાં પ્રશંસાનો વરસાદ વરસી રહ્યો છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ડૉક્ટર માત્ર વ્યવસાય નહીં, પરંતુ જીવન બચાવવાનું એક પવિત્ર કર્તવ્ય નિભાવે છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.