વિયેતનામ બોટ દુર્ઘટના: 15 ભારતીયોના પાર્થિવ દેહ આજે વતન પરત આવશે, પરિવારોમાં શોકની લાગણી

વિયેતનામમાં થયેલી ભયાનક બોટ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા 15 ભારતીય નાગરિકોના પાર્થિવ દેહ આજે વિયેતનામ એરલાઇન્સની વિશેષ ફ્લાઇટ દ્વારા ભારત લાવવામાં આવશે. ભારતીય દૂતાવાસે આ અંગે સત્તાવાર માહિતી આપી છે.
Rahul Desai
Rahul Desai
વિયેતનામ બોટ દુર્ઘટના: 15 ભારતીયોના પાર્થિવ દેહ આજે વતન પરત આવશે, પરિવારોમાં શોકની લાગણીવિયેતનામ બોટ દુર્ઘટના: 15 ભારતીયોના પાર્થિવ દેહ આજે વતન પરત આવશે, પરિવારોમાં શોકની લાગણી

હનોઈ: વિયેતનામના ફુ ક્વોક ટાપુ નજીક થયેલી બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 15 ભારતીય નાગરિકોના પાર્થિવ દેહ આજે (સોમવારે) ભારત લાવવામાં આવશે. હનોઈ સ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે વિયેતનામ એરલાઇન્સની ફ્લાઇટ VN979 સ્થાનિક સમય મુજબ સાંજે 6 વાગ્યે હો ચી મિન્હ સિટીથી રવાના થશે અને ભારતીય સમય મુજબ રાત્રે 9:35 વાગ્યે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર પહોંચશે.

ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું કે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ 15 ભારતીયોના પાર્થિવ દેહ આજે ભારત મોકલવામાં આવી રહ્યા છે. સંબંધિત રાજ્ય સરકારોને પણ જાણ કરવામાં આવી છે જેથી મૃતકોના પરિવારજનો સાથે સંકલન કરીને પાર્થિવ દેહને તેમના વતન સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી શકાય.

શનિવારે દક્ષિણ વિયેતનામના લોકપ્રિય પ્રવાસન સ્થળ ફુ ક્વોક ટાપુ નજીક ભારતીય પ્રવાસીઓને લઈ જતી ટૂરિસ્ટ બોટ પલટી જતાં 15 લોકોના મોત થયા હતા. મૃતકોમાં 10 પ્રવાસીઓ તમિલનાડુના હોવાનું સામે આવ્યું છે. આ પ્રવાસ કર્મચારીઓ માટે રિવોર્ડ ટ્રિપ તરીકે યોજાયો હતો, પરંતુ તે દુર્ઘટનામાં ફેરવાઈ ગયો.

પ્રાથમિક માહિતી મુજબ બોટમાં કુલ 32 ભારતીય પ્રવાસીઓ સવાર હતા, જેમાં તમિલનાડુ ઉપરાંત આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કેરળના પ્રવાસીઓનો સમાવેશ થતો હતો. અકસ્માત બાદ સ્થાનિક તંત્ર, બચાવ દળો અને માછીમારોએ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. અનેક લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે બેભાન હાલતમાં મળેલા કેટલાક લોકોને સ્થળ પર જ CPR આપી બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ દરમિયાન દક્ષિણ વિયેતનામના એન જિયાંગ પ્રાંતની પોલીસે બોટ દુર્ઘટના મામલે કથિત કાયદાકીય ઉલ્લંઘન બદલ 57 વર્ષીય બોટ ચાલક ગુયેન હોંગ હાઈની અટકાયત કરી તેની સામે ગુનો નોંધ્યો છે. હાલ સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે અને દુર્ઘટનાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.