વંદે ભારત એક્સપ્રેસ બની જીવનદાતા, અંકલેશ્વરથી અમદાવાદ હૃદય લાવી દર્દીને મળશે નવજીવન

ગુજરાતમાં ફરી એક વખત વંદે ભારત એક્સપ્રેસ જીવનદાતા બની છે. અંકલેશ્વરમાંથી ડોનર હૃદયને ગ્રીન કોરિડોર અને વંદે ભારત ટ્રેનની મદદથી અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી રહ્યું છે, જ્યાં એક દર્દીનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરીને તેને નવજીવન આપવાનો પ્રયાસ કરવામાં આવશે.
Rahul Desai
Rahul Desai
વંદે ભારત એક્સપ્રેસ બની જીવનદાતા, અંકલેશ્વરથી અમદાવાદ હૃદય લાવી દર્દીને મળશે નવજીવનવંદે ભારત એક્સપ્રેસ બની જીવનદાતા, અંકલેશ્વરથી અમદાવાદ હૃદય લાવી દર્દીને મળશે નવજીવન

અંકલેશ્વર: ગુજરાતમાં ફરી એક વખત વંદે ભારત એક્સપ્રેસ એક જરૂરિયાતમંદ દર્દી માટે જીવનદાતા બની છે. અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ દર્દીના હૃદય ટ્રાન્સપ્લાન્ટ માટે અંકલેશ્વરથી ડોનર હૃદય વંદે ભારત એક્સપ્રેસ મારફતે અમદાવાદ લાવવામાં આવી રહ્યું છે. આ માટે અંકલેશ્વર રેલવે સ્ટેશન પર પ્રથમ વખત વંદે ભારત એક્સપ્રેસને ખાસ રોકવામાં આવી હતી.

ડોનર હૃદયનું રિટ્રીવલ અંકલેશ્વર સ્થિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલમાંથી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગ્રીન કોરિડોરની મદદથી હોસ્પિટલથી રેલવે સ્ટેશન સુધી ગણતરીની મિનિટોમાં હૃદય પહોંચાડવામાં આવ્યું અને ત્યાંથી વંદે ભારત એક્સપ્રેસ દ્વારા અમદાવાદ મોકલવામાં આવ્યું.

મહત્વપૂર્ણ વાત એ છે કે છેલ્લા ત્રણ દિવસમાં બીજી વખત હૃદયને યુ.એન. મહેતા હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે વંદે ભારત એક્સપ્રેસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અંગદાનથી ટ્રાન્સપ્લાન્ટ સુધીનો સમય અત્યંત મહત્વનો હોય છે, કારણ કે હૃદય ટ્રાન્સપ્લાન્ટ ગણતરીના કલાકોમાં પૂર્ણ કરવું જરૂરી બને છે.

ઝડપી અને સમયબદ્ધ પરિવહનના કારણે ટ્રાન્સપ્લાન્ટની સફળતાની સંભાવના વધી જાય છે. વંદે ભારત એક્સપ્રેસની તેજ ગતિ અને ગ્રીન કોરિડોરની સુવ્યવસ્થિત વ્યવસ્થાના કારણે હૃદય સમયસર અમદાવાદ પહોંચશે અને યુ.એન. મહેતા હોસ્પિટલમાં દર્દીનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે.

આ ટ્રાન્સપ્લાન્ટ સફળ બનશે તો યુ.એન. મહેતા હોસ્પિટલમાં હૃદય ટ્રાન્સપ્લાન્ટનો આ 78મો સફળ કેસ બનશે. સમગ્ર ઘટનાએ ગુજરાતમાં અંગદાન અને સમયસર પરિવહન વ્યવસ્થાના મહત્વને ફરી એક વખત ઉજાગર કર્યું છે.