Get News Alerts

Never miss breaking news updates.

વલસાડ SOGનો મોટો ધડાકો: આંતરરાષ્ટ્રીય ગેરકાયદેસર કોલ સેન્ટરનો પર્દાફાશ

વલસાડ SOGએ ડુંગરા વિસ્તારમાં ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય ગેરકાયદેસર કોલ સેન્ટરનો પર્દાફાશ કરીને 11 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ કેનેડિયન નાગરિકોને સરકારી અધિકારી તરીકે ઓળખ આપી ડરાવી-ધમકાવી લાખોની ડિજિટલ ઠગાઈ આચરતા હતા. પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત સમગ્ર રેકેટને ઝડપીને વધુ તપાસ શરૂ કરી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 14 Jun 2026 02:10 PM IST
વલસાડ SOGનો મોટો ધડાકો: આંતરરાષ્ટ્રીય ગેરકાયદેસર કોલ સેન્ટરનો પર્દાફાશવલસાડ SOGનો મોટો ધડાકો: આંતરરાષ્ટ્રીય ગેરકાયદેસર કોલ સેન્ટરનો પર્દાફાશ

વલસાડ: વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ સાયબર ગુનાખોરી સામે મોટી કાર્યવાહી કરતાં ડુંગરા વિસ્તારના હરિયા પાર્કમાં ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય ગેરકાયદેસર કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. પોલીસે દરોડા દરમિયાન 9 પુરુષ અને 2 મહિલા સહિત કુલ 11 આરોપીઓને ઝડપી પાડી કરોડોની ડિજિટલ ઠગાઈના રેકેટનો ભાંડો ફોડ્યો છે.

મળતી માહિતી મુજબ પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ અને વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ SOGની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને માનવ ગુપ્તચર માહિતીના આધારે ડુંગરા સ્થિત હરિયા પાર્ક વિસ્તારમાં આવેલા એક બંગલામાં દરોડો પાડ્યો હતો.

તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપીઓ કેનેડાના નાગરિકોને ફોન કરીને પોતાને Canada Post, CSIS (Canadian Security Intelligence Service) અને RCMP (Royal Canadian Mounted Police)ના અધિકારી તરીકે ઓળખાવતા હતા. ત્યારબાદ નકલી સરકારી દસ્તાવેજો મોકલી લોકોને ડરાવી-ધમકાવી તેમની પાસેથી એપલ સહિતની પ્રતિષ્ઠિત કંપનીઓના મોંઘા ગિફ્ટ કાર્ડની માહિતી મેળવી ડિજિટલ ઠગાઈ આચરતા હતા.

પોલીસે આ સમગ્ર રેકેટના મુખ્ય સૂત્રધાર રાજેશ ઉર્ફે રાજ વિઠલ ઠોલાર (ઉ.વ. 33), ઘાટકોપર, મુંબઈની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન તેણે વર્ષો સુધી મુંબઈ, હૈદરાબાદ, ચંદીગઢ, અમદાવાદ અને સુરતમાં ગેરકાયદેસર કોલ સેન્ટરોમાં કામ કર્યા બાદ ડુંગરામાં પોતાનું કોલ સેન્ટર શરૂ કર્યું હોવાનું કબૂલ્યું હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

આરોપીઓએ પોલીસની નજરથી બચવા માટે સ્થાનિક સિમકાર્ડના બદલે VoIP (Voice over Internet Protocol) ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો હતો. ઉપરાંત X-Lite અને APhone જેવી એપ્લિકેશનો મારફતે સીધા કેનેડિયન નાગરિકો સાથે સંપર્ક સાધવામાં આવતો હતો. ઠગાઈ માટે ખાસ ડેટાબેઝ અને પૂર્વ તૈયાર કરાયેલી સ્ક્રિપ્ટનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું પણ સામે આવ્યું છે.

તપાસમાં વધુમાં ખુલાસો થયો છે કે 'The Midnight Club' નામના ખાનગી વોટ્સએપ ગ્રૂપ મારફતે કેનેડિયન નાગરિકોના મોબાઈલ નંબર તેમજ ઠગાઈ માટેની સ્ક્રિપ્ટ શેર કરવામાં આવતી હતી. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ચાર વિદેશી નાગરિકો આ ઠગાઈનો ભોગ બન્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

આ સમગ્ર મામલે ડુંગરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023 તેમજ માહિતી પ્રૌદ્યોગિકી (IT) અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ડિજિટલ ઉપકરણો, કમ્પ્યુટર, મોબાઈલ ફોન અને અન્ય મહત્વના પુરાવા કબજે કરીને વધુ તપાસ શરૂ કરી છે.

વલસાડ SOGની આ કાર્યવાહીથી આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત સાયબર ઠગાઈના નેટવર્કને મોટો ફટકો પડ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. સાથે જ સાયબર ગુનેગારો સામે કડક કાર્યવાહીનો સ્પષ્ટ સંદેશ પણ આપવામાં આવ્યો છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.