વલસાડના કપરાડા ઘાટમાં ઘનધોર ધુમ્મસ, NH-848 પર વાહનચાલકોની મુશ્કેલી વધી



વલસાડના કપરાડા ઘાટમાં ઘનધોર ધુમ્મસ, NH-848 પર વાહનચાલકોની મુશ્કેલી વધી



વલસાડ વલસાડ જિલ્લાના પારડીથી નાસિકને જોડતા નેશનલ હાઇવે-848 પર આવેલા કપરાડા ઘાટ વિસ્તારમાં ધુમ્મસની ઘેરી ચાદર છવાઈ ગઈ છે. ખાસ કરીને સુથારપાડાથી આગળ નાસિક તરફ જતા માર્ગ પર વિઝિબિલિટી અચાનક ખૂબ જ ઓછી થઈ જતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ઘાટ વિસ્તારમાં સતત વળાંકો અને ધુમ્મસના કારણે સામે આવતાં વાહનો ખૂબ નજીક આવ્યા પછી જ દેખાઈ રહ્યા છે. પરિણામે વાહનચાલકો વાહનોની હેડલાઇટ ચાલુ રાખીને ધીમી ગતિએ આગળ વધી રહ્યા છે અને વધુ સાવચેતી સાથે વાહન ચલાવી રહ્યા છે.
ધુમ્મસની અસર લાંબા અંતરની મુસાફરી કરતા વાહનચાલકો ઉપરાંત સ્થાનિક વાહનચાલકો પર પણ જોવા મળી રહી છે. ઓછી દૃશ્યતાના કારણે હાઇવે પર વાહનોની અવરજવર સામાન્ય દિવસોની સરખામણીએ ધીમી પડી ગઈ છે.
કપરાડાનો ઘાટ માર્ગ ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેનું મહત્વનું જોડાણ હોવાથી દરરોજ મોટી સંખ્યામાં વાહનો આ માર્ગ પરથી પસાર થાય છે. આવી સ્થિતિમાં ધુમ્મસને કારણે અકસ્માતની શક્યતા વધી જતાં વાહનચાલકોને ધીમી ગતિએ વાહન ચલાવવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની અપીલ કરવામાં આવી રહી છે.
હાલ કપરાડા ઘાટ વિસ્તારમાં ધુમ્મસ યથાવત છે અને હાઇવે પરથી પસાર થતા વાહનચાલકો અત્યંત સાવચેતી સાથે પોતાની મુસાફરી કરી રહ્યા છે.




