વલસાડમાં ભારે વરસાદથી નેશનલ હાઈવે પર જળબંબાકાર, સર્વિસ રોડ પાણીમાં ગરકાવ; વાહનચાલકો પરેશાન



વલસાડમાં ભારે વરસાદથી નેશનલ હાઈવે પર જળબંબાકાર, સર્વિસ રોડ પાણીમાં ગરકાવ; વાહનચાલકો પરેશાન



Valsad Heavy Rain: દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદની અસર હવે માર્ગ વ્યવહાર પર પણ જોવા મળી રહી છે. વલસાડમાં ભારે વરસાદને પગલે નેશનલ હાઈવે અને તેની સર્વિસ રોડ પર અનેક સ્થળોએ પાણી ભરાઈ જતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સુરત તરફ જતી નેશનલ હાઈવેની સર્વિસ રોડ પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. પાણી ભરાવવાના કારણે પસાર થતી એક કાર રસ્તાની વચ્ચે જ બંધ પડી ગઈ હતી. કારના ચાલકે ભારે જહેમત બાદ વાહનને પાણીમાંથી બહાર કાઢ્યું હતું. માત્ર સર્વિસ રોડ જ નહીં પરંતુ મુખ્ય નેશનલ હાઈવેના અનેક વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાઈ જતાં વાહનોની અવરજવર ધીમી પડી હતી.
અનેક વાહનચાલકોને ટ્રાફિક અને પાણી ભરાવાના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે સ્થાનિક તંત્ર સતર્ક બન્યું છે અને નીચાણવાળા વિસ્તારોમાં સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.




