Get News Alerts

Never miss breaking news updates.

વડોદરામાં વેપારી પર ફિલ્મી સ્ટાઈલમાં ફાયરિંગ, બાઈકસવાર બે હુમલાખોરો ફરાર

વડોદરાના વાઘોડિયા ચોકડી વિસ્તારમાં દિવસદાઢે એક વેપારી પર ફિલ્મી સ્ટાઈલમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ કારમાં જઈ રહેલા વેપારી પર ગોળીબાર કર્યો હતો. ગોળી ખભાના ભાગે વાગતાં વેપારી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, જ્યારે હુમલાખોરો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા છે. પોલીસે શહેરભરમાં નાકાબંધી કરીને તપાસ શરૂ કરી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 27 Jun 2026 10:57 AM IST
વડોદરામાં વેપારી પર ફિલ્મી સ્ટાઈલમાં ફાયરિંગ, બાઈકસવાર બે હુમલાખોરો ફરારવડોદરામાં વેપારી પર ફિલ્મી સ્ટાઈલમાં ફાયરિંગ, બાઈકસવાર બે હુમલાખોરો ફરાર

વડોદરા વડોદરા શહેરના વ્યસ્ત વાઘોડિયા ચોકડી વિસ્તારમાં શુક્રવારે દિવસદાઢે થયેલા ફાયરિંગથી દહેશતનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, વેપારી આશિષ બાકોલીયા પોતાની કારમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ તેમનો પીછો કર્યો હતો.

થોડું અંતર કાપ્યા બાદ હુમલાખોરોએ કારની નજીક આવી વેપારી પર ગોળીબાર કર્યો હતો. ગોળી આશિષ બાકોલીયાના ખભાના ભાગે વાગતાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ગોળીબાર બાદ હુમલાખોરો પળવારમાં ફરાર થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત વેપારીને સારવાર માટે પ્રથમ એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે તેમને ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. હાલ તેમની સારવાર ચાલુ છે.

ઘટનાની જાણ થતાં શહેર પોલીસ, ગ્રામ્ય પોલીસ તેમજ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી હતી.

હુમલાખોરોને ઝડપી પાડવા માટે શહેરભરમાં નાકાબંધી કરવામાં આવી છે. વાઘોડિયા ચોકડી તેમજ આસપાસના વેપારી સંકુલો, પેટ્રોલ પંપ, દુકાનો અને ટ્રાફિક સિગ્નલ પર લાગેલા CCTV કેમેરાના ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે. હુમલાખોરો કયા રૂટથી ભાગ્યા અને તેઓ કઈ બાઈક પર હતા તે અંગે પોલીસ માહિતી એકત્ર કરી રહી છે.

પ્રાથમિક તપાસમાં ફાયરિંગ પાછળનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી. અંગત અદાવત, જૂની દુશ્મની કે આર્થિક વ્યવહાર સહિત તમામ સંભવિત પાસાઓને ધ્યાનમાં રાખીને પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે અને ટૂંક સમયમાં સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાશે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.