વડોદરામાં કોમી એકતાનું અનોખું ઉદાહરણ, બહુચરાજી મંદિરે મુહર્રમના તાજિયાને અપાય છે 'ઠંડા'



વડોદરામાં કોમી એકતાનું અનોખું ઉદાહરણ, બહુચરાજી મંદિરે મુહર્રમના તાજિયાને અપાય છે 'ઠંડા'



વડોદરા મુહર્રમના પવિત્ર અવસર પર વડોદરાના નાગરવાડા વિસ્તારમાં સ્થિત હકીમવાડાના તાજિયા સાથે વર્ષોથી ચાલી આવતી અનોખી પરંપરા ફરી એકવાર નિભાવવામાં આવી હતી. બહુચરાજી માતાના મંદિરના મહંત દ્વારા તાજિયાને પવિત્ર જળ, ગુલાબની પાંખડીઓ અને અત્તર અર્પણ કરીને 'ઠંડા' આપવામાં આવ્યા હતા.
વિધિ પૂર્ણ થયા બાદ તાજિયાને શ્રીફળનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ પરંપરાગત રીતે તાજિયાને સરસિયા તળાવ તરફ વિસર્જન માટે લઈ જવામાં આવ્યો હતો.
આ પરંપરા મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના શાસનકાળથી ચાલી આવી રહી છે અને આજે પણ એટલી જ શ્રદ્ધા અને ભાવનાથી જાળવી રાખવામાં આવી છે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો આ અનોખી વિધિના સાક્ષી બને છે.
હિંદુ અને મુસ્લિમ સમાજ વચ્ચેના પરસ્પર સ્નેહ, વિશ્વાસ અને ધાર્મિક સૌહાર્દનું આ દૃશ્ય વડોદરાની ગંગા-જમુની સંસ્કૃતિને ઉજાગર કરે છે. દેશભરમાં જ્યાં કોમી એકતાના ઉદાહરણો શોધવામાં આવે છે, ત્યાં વડોદરાની આ ઐતિહાસિક પરંપરા આજે પણ સમાજને ભાઈચારો અને એકતાનો મજબૂત સંદેશ આપી રહી છે.




