Get News Alerts

Never miss breaking news updates.

વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરનો વહીવટ હવે સરકારના હસ્તક

વડનગરના પ્રખ્યાત હાટકેશ્વર મહાદેવ મંદિરના વહીવટને લઈને વર્ષોથી ચાલતા વિવાદમાં મોટો નિર્ણય સામે આવ્યો છે. મહેસાણાના ઇન્ચાર્જ ચેરિટી કમિશનરે હાલના ટ્રસ્ટીઓને ગેરકાયદેસર જાહેર કરી તેમને હટાવવાનો આદેશ આપતાં મંદિરનો વહીવટ હવે ચેરિટી કમિશનર કચેરીના હસ્તક આવ્યો છે. મધરાતે પોલીસ બંદોબસ્ત વચ્ચે અધિકારીઓએ મંદિરનો ચાર્જ સંભાળતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 14 Jun 2026 02:35 PM IST
વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરનો વહીવટ હવે સરકારના હસ્તકવડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરનો વહીવટ હવે સરકારના હસ્તક

મહેસાણા: વડનગર સ્થિત ઐતિહાસિક અને આસ્થાના કેન્દ્ર એવા હાટકેશ્વર મહાદેવ મંદિરના વહીવટને લઈને વર્ષોથી ચાલી રહેલા વિવાદમાં મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. મહેસાણાના ઇન્ચાર્જ ચેરિટી કમિશનરે હાલના ટ્રસ્ટીઓને ગેરકાયદેસર જાહેર કરતાં તેમને તાત્કાલિક અસરથી હટાવવાનો આદેશ આપ્યો છે. સાથે જ પાટણના ડેપ્યુટી ચેરિટી કમિશનરને વહીવટદાર તરીકે નિમણૂક કરી મંદિર ટ્રસ્ટનો વહીવટ તેમના હવાલે સોંપવામાં આવ્યો છે.

આદેશ બાદ ચેરિટી કમિશનર કચેરીના અધિકારીઓ પોલીસ કાફલા સાથે મધરાતે અંદાજે 2 વાગ્યે મંદિર પરિસરમાં પહોંચ્યા હતા અને ટ્રસ્ટનો વહીવટ પોતાના કબજામાં લીધો હતો. આ કાર્યવાહી દરમિયાન ભારે હોબાળો મચ્યો હતો. આરોપ છે કે હાલના ટ્રસ્ટીઓ ઓફિસ સહિતના કેટલાક રૂમને તાળા મારી સ્થળ છોડી ગયા હતા. તેમ છતાં અધિકારીઓએ કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરી મંદિરના વહીવટનો ચાર્જ સંભાળી લીધો હતો.

હાટકેશ્વર મહાદેવ મંદિરના સંચાલન અંગેનો વિવાદ છેલ્લા ઘણા વર્ષોથી ચેરિટી કમિશનરની અદાલતમાં ચાલી રહ્યો હતો. મંદિરના મુખ્ય પૂજારી અને મૂળ વાંધાકારક જયંતભાઈ કે. પંડ્યાના જણાવ્યા મુજબ, બંધારણ વિરુદ્ધ રીતે ટ્રસ્ટી બનેલા કેટલાક લોકો વર્ષોથી મંદિરનો વહીવટ સંભાળી રહ્યા હતા, જેના કારણે લાંબી કાનૂની લડત ચાલી રહી હતી.

મંદિરના વહીવટમાં ગેરરીતિ અને ગેરવહીવટના આક્ષેપો સાથે સુભાષભાઈ ભટ્ટ, નીલકંઠભાઈ ધોળકિયા, જયેશભાઈ મહેતા અને ચેતનાબેન બુચે પણ ચેરિટી કમિશનર સમક્ષ અરજી કરી હતી. અરજીને માન્ય રાખીને સંયુક્ત ચેરિટી કમિશનરે હાલના ટ્રસ્ટીઓને હટાવી વહીવટદારની નિમણૂક કરવાનો ઐતિહાસિક આદેશ આપ્યો હોવાનું અરજદારોનું કહેવું છે.

અદાલતે પોતાના નિરીક્ષણમાં નોંધ્યું હોવાનું જણાવાયું છે કે હાલના ટ્રસ્ટીઓએ ટ્રસ્ટના બંધારણ મુજબ કાયદેસર રીતે પદભાર સંભાળ્યો નહોતો. આ કારણે તેમની નિમણૂક અને વહીવટને માન્યતા આપી શકાય નહીં.

અરજદારો તરફથી કેસ લડનાર એડવોકેટ જય પંડ્યાએ જણાવ્યું હતું કે હાટકેશ્વર મહાદેવ ટ્રસ્ટ (રજી. નં. A/533-મહેસાણા)માં વર્ષ 1993થી ગેરકાયદેસર રીતે વહીવટ ચાલી રહ્યો હોવાના આક્ષેપો હતા અને હવે ચેરિટી કમિશનરના આદેશ બાદ તે વ્યવસ્થાનો કાયદેસર અંત આવ્યો છે.

પાટણના ડેપ્યુટી ચેરિટી કમિશનર તથા મહેસાણાના ઇન્ચાર્જ ડેપ્યુટી ચેરિટી કમિશનર વી. એન. વસાવાએ જણાવ્યું હતું કે ટ્રસ્ટના સત્તાવાર રેકોર્ડ મુજબ વર્ષ 1993 પછી કોઈ કાયદેસર ટ્રસ્ટી અસ્તિત્વમાં નહોતા અને બે જૂથો વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો.

તેમણે વધુમાં જણાવ્યું કે આદેશની રાત્રે હાલના ટ્રસ્ટીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. ત્યારબાદ અધિકારીઓએ તેમના નિવાસસ્થાને જઈ આદેશની નકલ ચોંટાડી નોટિસ તામિલ કરી હતી.

ચેરિટી કમિશનરે તમામ ટ્રસ્ટીઓને 15 જૂને ટ્રસ્ટ કચેરીમાં હાજર રહેવા સૂચના આપી છે. આગામી છ મહિનામાં નિયમિત ચૂંટણી પ્રક્રિયા દ્વારા નવી ટ્રસ્ટી મંડળીની રચના ન થાય ત્યાં સુધી મંદિરનો સમગ્ર વહીવટ ચેરિટી કમિશનર કચેરીની દેખરેખ હેઠળ અને પોલીસ સુરક્ષા વચ્ચે ચાલશે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.