ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી: ‘1000 મિસાઈલો લોક એન્ડ લોડેડ

અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ હવે અત્યંત ખતરનાક વળાંક પર પહોંચ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી લશ્કરી ચેતવણી આપતાં 1000 મિસાઈલો ‘લોક એન્ડ લોડેડ’ હોવાનો દાવો કર્યો છે. ટ્રમ્પના આક્રમક નિવેદન સામે ઈરાને પણ નમતું જોખવાનો ઈનકાર કરતાં વળતા પ્રહારની ચેતવણી આપી છે. બંને દેશોના આકરા વલણ વચ્ચે પશ્ચિમ એશિયામાં મોટા સૈન્ય સંઘર્ષનો ખતરો ફરી ઘેરાયો છે.
Rahul Desai
Rahul Desai
ફાઈલ ફોટોફાઈલ ફોટો

ફાઈલ ફોટો

વોશિંગ્ટન: અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ફરી ચરમસીમાએ પહોંચ્યો હોવાના દાવા થઈ રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે અત્યંત આક્રમક વલણ અપનાવી ગંભીર લશ્કરી ચેતવણી આપી છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકાની 1000 મિસાઈલો ‘લોક એન્ડ લોડેડ’ એટલે કે હુમલા માટે તૈયાર છે. તેમના આ નિવેદન બાદ પશ્ચિમ એશિયામાં ફરી મોટા સૈન્ય સંઘર્ષની આશંકા વ્યક્ત થઈ રહી છે.

‘મને કંઈ થયું તો ઈરાનને ભયાનક જવાબ મળશે’

અહેવાલો મુજબ, ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર ઈરાનને ચેતવણી આપી છે. ટ્રમ્પે કહ્યું કે દુનિયાના કોઈપણ ભાગમાં તેમની હત્યાનું કાવતરું ઘડવામાં આવશે અથવા હુમલાનો પ્રયાસ થશે તો અમેરિકા તેનો તાત્કાલિક અને અત્યંત કડક જવાબ આપશે.

ટ્રમ્પે એવો પણ દાવો કર્યો કે અમેરિકી સૈન્યને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. જરૂર પડશે તો લાંબા સમય સુધી સૈન્ય કાર્યવાહી કરવાની ક્ષમતા અમેરિકા પાસે હોવાનું તેમણે જણાવ્યું છે.

ઈરાનની ‘હિટ લિસ્ટ’માં પોતે ટોચ પર હોવાનો ટ્રમ્પનો દાવો

ટ્રમ્પ અગાઉ પણ દાવો કરી ચૂક્યા છે કે તેઓ ઈરાનની હિટ લિસ્ટમાં ટોચ પર છે. અમેરિકી ગુપ્તચર એજન્સીઓને તેમની હત્યાના સંભવિત કાવતરા અંગે માહિતી મળી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.

આ મામલે ઈઝરાયેલ દ્વારા અમેરિકા સાથે ગુપ્ત માહિતી શેર કરાઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. જોકે આ મુદ્દે અલગ-અલગ દાવાઓ થઈ રહ્યા છે.

‘અમેરિકા પર 1% પણ વિશ્વાસ નથી’: ઈરાન

અમેરિકાની ચેતવણી સામે ઈરાને પણ આકરું વલણ અપનાવ્યું છે. ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘર ગાલિબાફે કહ્યું કે ઈરાનને અમેરિકા પર ‘એક ટકા પણ વિશ્વાસ નથી’.

તેમણે જણાવ્યું કે અમેરિકા સાથે વાટાઘાટો કરવા માટે પણ દેશે યુદ્ધની સંભાવના સામે સંપૂર્ણ તૈયારી રાખવી જરૂરી છે. ઈરાન પોતાના રાષ્ટ્રીય હિત અને સાર્વભૌમત્વની રક્ષા માટે તૈયાર હોવાનું તેમણે કહ્યું છે.

‘શરણાગતિથી સંઘર્ષનો અંત આવતો નથી’

ગાલિબાફે વધુમાં કહ્યું કે ઈરાને પોતાની સંરક્ષણ તૈયારીઓ ક્યારેય બંધ કરી નથી. જો અમેરિકા કોઈ કરાર અથવા સહમતીથી પાછળ હટશે તો ઈરાન તેનો મજબૂત જવાબ આપશે.

તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ઈરાન કોઈપણ દબાણ સામે શરણાગતિ સ્વીકારશે નહીં. તેમના મતે, શરણાગતિથી ક્યારેય સંઘર્ષનો અંત આવતો નથી.

વાટાઘાટો કોણે માગી? અમેરિકા-ઈરાનના અલગ દાવા

બંને દેશો વચ્ચે વાતચીતને લઈને પણ વિવાદ ઊભો થયો છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાને અમેરિકા સાથે ફરી વાતચીત શરૂ કરવા સંપર્ક કર્યો હતો. જોકે ઈરાનના વિદેશ મંત્રાલયે આ દાવાને નકારી કાઢ્યો છે.

ઈરાનનું કહેવું છે કે તેણે અમેરિકા સામે સીધી વાતચીત માટે વિનંતી કરી નથી. કતારના મધ્યસ્થીઓ દ્વારા રજૂ કરાયેલી સમાધાનની દરખાસ્તને લઈને માત્ર ચર્ચા થઈ હોવાનું ઈરાન તરફથી જણાવાયું છે.

ઈરાનની ચેતવણી- ‘વચન તૂટશે તો ચૂપ નહીં રહીએ’

ઈરાને અમેરિકાને ચેતવણી આપી છે કે આંતરરાષ્ટ્રીય નિયમો અથવા અગાઉના વચનોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો ઈરાની સૈન્ય વળતો જવાબ આપશે.

ઈરાનના કટ્ટરપંથી વર્તુળોમાં પણ અમેરિકા સાથેની વાતચીતને શાંતિ પ્રક્રિયા નહીં, પરંતુ સંઘર્ષના અલગ સ્વરૂપ તરીકે રજૂ કરવામાં આવી રહી છે.

પશ્ચિમ એશિયામાં ફરી વધ્યો તણાવ

અમેરિકા અને ઈરાન તરફથી થઈ રહેલા આક્રમક નિવેદનોને કારણે પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો છે. બંને દેશો વચ્ચેનું વાકયુદ્ધ જો સૈન્ય ટકરાવમાં ફેરવાય તો તેની અસર માત્ર પશ્ચિમ એશિયા જ નહીં, પરંતુ વૈશ્વિક અર્થતંત્ર અને સુરક્ષા વ્યવસ્થા પર પણ પડી શકે છે.