ઉકાઈ-કાકરાપાર બહુહેતુક યોજના: દક્ષિણ ગુજરાતની જીવાદોરી, સિંચાઈથી વીજળી અને પીવાના પાણી સુધી મહત્વપૂર્ણ યોગદાન


ઉકાઈ-કાકરાપાર બહુહેતુક યોજના: દક્ષિણ ગુજરાતની જીવાદોરી, સિંચાઈથી વીજળી અને પીવાના પાણી સુધી મહત્વપૂર્ણ યોગદાન


તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ઉકાઈ ગામે આવેલી ઉકાઈ-કાકરાપાર બહુહેતુક યોજના સમગ્ર દક્ષિણ ગુજરાત માટે જીવાદોરી સમાન છે. તાપી નદી પર નિર્મિત આ યોજના રાજ્યની સૌથી જૂની અને મહત્વપૂર્ણ બહુહેતુક યોજનાઓમાંની એક છે. ગુજરાત રાજ્યની સ્થાપના પહેલાં વર્ષ 1949થી તેના નિર્માણ કાર્યનો પાયો નંખાયો હતો.
આ યોજના માત્ર સિંચાઈ પૂરતી સીમિત નથી, પરંતુ પૂર નિયંત્રણ, વીજ ઉત્પાદન, પીવાના પાણી અને ઔદ્યોગિક જળ પુરવઠા માટે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
ઉકાઈ યોજનાના વિકાસની સફર:
ઉકાઈ-કાકરાપાર યોજનાનું નિર્માણ બે તબક્કામાં પૂર્ણ થયું હતું.
1949થી 1954: પ્રથમ તબક્કામાં 633.50 મીટર લંબાઈ ધરાવતો કાકરાપાર વીયર બનાવવામાં આવ્યો.
1961-62: ઉકાઈ બંધ માટે પ્લાનિંગ કમિશન અને રાજ્ય સરકારની મંજૂરી મળી.
1964: ઉકાઈ બંધનું નિર્માણ કાર્ય શરૂ થયું.
1972: ઉકાઈ બંધનું નિર્માણ પૂર્ણ થયું.
1973: ઉકાઈ જળાશયમાં પ્રથમ વખત પાણી ભરવામાં આવ્યું.
600 ચો.કિ.મી.માં પથરાયેલું વિશાળ જળાશય:
ઉકાઈ જળાશય અંદાજે 600 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે. તેની કુલ સંગ્રહ ક્ષમતા 7,497 મિલિયન ઘન મીટર અને જીવંત સંગ્રહ ક્ષમતા 6,615 મિલિયન ઘન મીટર છે.
આ યોજના હેઠળ 3,31,557 હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો લાભ મળે છે. તેના કારણે ભરૂચ, સુરત, નવસારી, તાપી અને વલસાડ જિલ્લાના કૃષિ ક્ષેત્રને મોટો ફાયદો થાય છે.
મુખ્ય આંકડા:
જળાશય વિસ્તાર: અંદાજે 600 ચો.કિ.મી.
કુલ સંગ્રહ ક્ષમતા: 7,497 મિલિયન ઘન મીટર
જીવંત સંગ્રહ ક્ષમતા: 6,615 મિલિયન ઘન મીટર
સિંચાઈ વિસ્તાર: 3,31,557 હેક્ટર
પૂર્ણ જળ સપાટીએ સરોવરની પરિધિ: 525 કિ.મી.
ઉકાઈ-પૂર્ણા ઉચ્ચતળ નહેરની લંબાઈ: 51,110 મીટર
નહેરની વહન ક્ષમતા: 480 ક્યુસેક
વીજળી અને પીવાના પાણી માટે પણ મહત્વપૂર્ણ:
ઉકાઈ બહુહેતુક યોજના રાજ્યના વીજ પુરવઠા માટે પણ મહત્વપૂર્ણ છે. ઉકાઈ થર્મલ પાવર પ્લાન્ટના 1,110 મેગાવોટ, હાઈડ્રો પાવર પ્લાન્ટના 305 મેગાવોટ અને કાકરાપાર અણુ મથકના 1,840 મેગાવોટના વીજ ઉત્પાદન માટે પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
આ ઉપરાંત સુરત, ભરૂચ, નવસારી અને વલસાડ જિલ્લાના વિવિધ શહેરોમાં પીવાના પાણીના પુરવઠા માટે પણ આ યોજના મહત્વપૂર્ણ સ્ત્રોત છે. GIDC, જે.કે. પેપર મિલ અને સુગર ફેક્ટરીઓ સહિતના ઔદ્યોગિક એકમોને પણ પાણી પૂરું પાડવામાં આવે છે.
તાપી નદી અને ઉકાઈ જળાશય:
મધ્યપ્રદેશના બેતુલ જિલ્લાના મુલતાઈથી નીકળતી તાપી નદીની કુલ લંબાઈ 724 કિ.મી. છે, જેમાંથી 214 કિ.મી. ગુજરાતમાં વહે છે. ઉકાઈ જળાશય આગળ તાપી નદીનો સ્ત્રાવ વિસ્તાર 62,225 ચોરસ કિ.મી. જેટલો છે.
આ રીતે ઉકાઈ-કાકરાપાર યોજના સિંચાઈ, પૂર નિયંત્રણ, વીજળી, પીવાનું પાણી અને ઔદ્યોગિક વિકાસ માટે દક્ષિણ ગુજરાતની મહત્વપૂર્ણ જળસંપત્તિ બની રહી છે.




