રથયાત્રામાં આ વર્ષે બે મામેરા ભરાશે, સરસપુરના પ્રાચીન રણછોડજી મંદિરની 147 વર્ષ જૂની પરંપરા ફરી જીવંત થશે



રથયાત્રામાં આ વર્ષે બે મામેરા ભરાશે, સરસપુરના પ્રાચીન રણછોડજી મંદિરની 147 વર્ષ જૂની પરંપરા ફરી જીવંત થશે



અમદાવાદની ઐતિહાસિક ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે આ વર્ષે ભક્તો માટે વિશેષ આકર્ષણ જોવા મળશે. રથયાત્રાના પર્વમાં ભગવાનના મામેરાનું વિશેષ મહત્વ હોય છે ત્યારે આ વખતે પરંપરા મુજબના યજમાનના મામેરા ઉપરાંત સરસપુર સ્થિત પ્રાચીન રણછોડજી મંદિર દ્વારા પણ ભગવાનનું મોસાળું કરવામાં આવશે. એટલે કે આ વર્ષે ભગવાન જગન્નાથજી માટે બે મામેરા ભરાશે.
સરસપુરની ભાગા ભગતની પોળ ખાતે આવેલા રણછોડરાય મંદિરમાં 147 વર્ષ જૂની ‘જગત મામા’ મામેરાની પરંપરા છે. છેલ્લા 25 વર્ષથી બંધ રહેલી આ પરંપરા ફરી એકવાર શરૂ કરવામાં આવી રહી છે. ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પ્રસંગે મંદિર દ્વારા ભક્તોના સહયોગ અને દાનથી ભવ્ય મામેરાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ મામેરામાં ભગવાન જગન્નાથજીને બંસરી અને સુદર્શન ચક્રનો શણગાર અર્પણ કરવામાં આવશે. જ્યારે બળદેવજીને હોડ અને માતા સુભદ્રાજીને પાર્વતી શણગાર આપવામાં આવશે. રથયાત્રાના દિવસે યજમાનના મામેરા બાદ આ વિશેષ મામેરું ભગવાનને અર્પણ કરવામાં આવશે.
ભક્તો આ ભવ્ય મામેરાના દર્શન કરી શકે તે માટે આગામી 11 અને 12 જુલાઈના રોજ મંદિર ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત અષાઢી બીજના પાવન દિવસે એટલે કે 16 જુલાઈના રોજ મંદિર દ્વારા મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
સરસપુરના રણછોડજી મંદિરની આ પ્રાચીન પરંપરાના પુનઃપ્રારંભથી ભક્તોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.




