ટ્રમ્પ ભારત સાથે નવી બોઇંગ ડીલ માટે ઉત્સુક, 'અંતિમ તબક્કામાં પહોંચેલી મોટી સમજૂતી જલ્દી પૂર્ણ થશે'



ટ્રમ્પ ભારત સાથે નવી બોઇંગ ડીલ માટે ઉત્સુક, 'અંતિમ તબક્કામાં પહોંચેલી મોટી સમજૂતી જલ્દી પૂર્ણ થશે'



વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત સાથે વ્યાપારી સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે વ્યક્તિગત રીતે રસ લઈ રહ્યા છે. તેમાં બોઇંગ સાથેની એક નવી મોટી ડીલનો પણ સમાવેશ થાય છે, જે હવે લગભગ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ હોવાનું ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે જણાવ્યું હતું.
અમેરિકા-ભારત સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ (USISPF) લીડરશિપ સમિટ દરમિયાન ગોરે જણાવ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે થયેલી ચર્ચામાં બોઇંગ મહત્વનો મુદ્દો રહ્યો હતો અને બંને દેશો વચ્ચેના વધતા આર્થિક સહયોગનો તે મહત્વપૂર્ણ ભાગ છે.
બોઇંગના ગવર્નમેન્ટ ઓપરેશન્સ, ગ્લોબલ પબ્લિક પોલિસી અને કોર્પોરેટ સ્ટ્રેટેજીના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ જેફ શોકી સાથેની ચર્ચામાં ગોરે કહ્યું કે અમેરિકા ઇચ્છે છે કે વિશ્વના દેશો સૌથી આધુનિક અને કાર્યક્ષમ વિમાનો ખરીદે. તેમણે ઉમેર્યું કે ભારત સાથેની નવી બોઇંગ ડીલને અંતિમ સ્વરૂપ આપવા માટે અમેરિકા આતુર છે.
તેમણે જણાવ્યું કે, "અમે ભારત સાથે વધુ એક મોટી સમજૂતી પૂર્ણ કરવાની ખૂબ નજીક છીએ અને તેને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે ઉત્સાહિત છીએ."
ભારતને લાંબા ગાળાનો વ્યૂહાત્મક ભાગીદાર ગણાવ્યું
ગોરે કહ્યું કે અમેરિકા ભારતને લાંબા ગાળાના વ્યૂહાત્મક આર્થિક ભાગીદાર તરીકે જુએ છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ટેક્નોલોજી, એવિએશન સહિત અનેક ક્ષેત્રોમાં બંને દેશો પાસે સાથે મળીને કામ કરવાની વિશાળ તક છે.
તેમણે કહ્યું કે, "ભારતનો વૈશ્વિક ઉદય થઈ ચૂક્યો છે. અમે ભારત સાથે ભાગીદારી વધુ મજબૂત બનાવવા પ્રતિબદ્ધ છીએ."
અમેરિકન રોકાણમાં વધારો
ગોરના જણાવ્યા મુજબ, નવી દિલ્હીમાં આવેલ અમેરિકી દૂતાવાસે આ વર્ષે અમેરિકા માટે અંદાજે 20.5 અબજ ડોલરનું નવું રોકાણ આકર્ષ્યું છે, જે અન્ય તમામ અમેરિકન મિશન કરતાં વધુ છે.
તેમણે કહ્યું કે અમેરિકન કંપનીઓ હવે ભારતમાં રોકાણ કરવા અંગે વધુ વિશ્વાસ અનુભવી રહી છે. કંપનીઓ માટે સૌથી મોટો પ્રશ્ન કાયદાકીય સ્થિરતા અને બૌદ્ધિક સંપત્તિ (IP)ની સુરક્ષા હોય છે, પરંતુ અમેરિકા હવે ભારત પર વિશ્વાસ રાખે છે.
રોકાણકારોને મદદની ખાતરી
ગોરે કહ્યું કે જો અમેરિકન કંપનીઓને ભારતમાં કોઈ સરકારી અથવા વહીવટી અવરોધનો સામનો કરવો પડે તો તેઓ સીધો અમેરિકન દૂતાવાસનો સંપર્ક કરી શકે છે. દૂતાવાસ રોકાણકારોને જરૂરી સહાય પૂરી પાડવા માટે તૈયાર રહેશે.
ભારત માટે બોઇંગનું મહત્વ
બોઇંગ ભારતના સૌથી મોટા અમેરિકન રોકાણકારો અને નિકાસકારોમાંનું એક છે. કંપનીનું કોમર્શિયલ એવિએશન, ડિફેન્સ અને એરોસ્પેસ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન છે. ભારત વિશ્વના સૌથી ઝડપથી વિકસતા એવિએશન બજારોમાં સામેલ છે અને આગામી દાયકાઓમાં દેશમાં હજારો નવા વિમાનોની જરૂરિયાત ઊભી થવાની શક્યતા છે.
રક્ષા, ટેક્નોલોજી, ઊર્જા અને મહત્વપૂર્ણ ખનિજોની સાથે વ્યાપારી સહયોગ પણ ભારત-અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીનો મહત્વપૂર્ણ આધાર બની રહ્યો છે. બંને દેશોએ દ્વિપક્ષીય વેપારને આગામી સમયમાં 500 અબજ ડોલર સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.




