ઈરાનને 300 અબજ ડોલરની મદદના દાવા પર ટ્રમ્પનો ઇનકાર, કહ્યું – 'આ સંપૂર્ણ ખોટી ખબર'



ઈરાનને 300 અબજ ડોલરની મદદના દાવા પર ટ્રમ્પનો ઇનકાર, કહ્યું – 'આ સંપૂર્ણ ખોટી ખબર'



અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા શાંતિ કરારને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને 300 અબજ ડોલરની આર્થિક મદદ આપવાના દાવાઓને સખત શબ્દોમાં ફગાવી દીધા છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ
'ટ્રુથ સોશિયલ' પર પોસ્ટ કરીને આ અહેવાલોને 'ફેક ન્યૂઝ' ગણાવ્યા હતા.
ટ્રમ્પે પોતાના નિવેદનમાં દાવો કર્યો કે ઈરાન પરમાણુ હથિયારો ન રાખવા માટે સંમત થઈ ગયું છે. તેમણે લખ્યું કે,'ઈરાને પરમાણુ હથિયારો ન રાખવા માટે સંમતિ આપી છે. સાથે જ અમેરિકા ઈરાનને 300 અબજ ડોલર આપી રહ્યું છે તેવી વાત સંપૂર્ણ ખોટી છે અને રાજકીય હેતુસર ફેલાવવામાં આવી રહી છે.'
ટ્રમ્પનું આ નિવેદન અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સ્થાપિત કરવા માટે થયેલી મહત્વપૂર્ણ વાટાઘાટો બાદ આવ્યું છે. બંને દેશો વચ્ચે પરમાણુ કાર્યક્રમ અને આર્થિક પ્રતિબંધોમાં રાહત જેવા મુદ્દાઓ પર પ્રાથમિક સમજૂતી થઈ હોવાનું માનવામાં આવે છે. જોકે, કરારની સંપૂર્ણ વિગતો હજી જાહેર કરવામાં આવી નથી.
અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ જેડી વેન્સે પણ ટ્રમ્પના નિવેદનનું સમર્થન કર્યું છે. તેમણે જણાવ્યું કે ટ્રમ્પના રાજદ્વારી પ્રયાસોના કારણે મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે અને ઈરાનને પરમાણુ હથિયારો મેળવતા અટકાવવું કરારનો મુખ્ય હેતુ છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરાયેલા એક વીડિયો સંદેશમાં વેન્સે કહ્યું કે ટ્રમ્પ શરૂઆતથી જ સ્પષ્ટ હતા કે ઈરાનને ક્યારેય પરમાણુ હથિયાર રાખવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેમણે આ કરારને અમેરિકાની વિદેશ નીતિ માટે મોટી સફળતા ગણાવી.
અહેવાલો અનુસાર, આ સપ્તાહના અંતે જિનેવામાં કરાર પર ઔપચારિક હસ્તાક્ષર થવાની શક્યતા છે. સ્વિટ્ઝરલેન્ડ, અમેરિકા, ઈરાન, પાકિસ્તાન અને કતારના સહયોગથી આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી રહી છે. ટ્રમ્પે આ કરારને “ખૂબ જ શક્તિશાળી દસ્તાવેજ” ગણાવી તેની વિગતો ટૂંક સમયમાં જાહેર કરવાની સંભાવના વ્યક્ત કરી છે.




