વલસાડમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ, ધોધમાર વરસાદથી ગરમીમાં રાહત પરંતુ ખેડૂતો ચિંતિત



વલસાડમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ, ધોધમાર વરસાદથી ગરમીમાં રાહત પરંતુ ખેડૂતો ચિંતિત



વલસાડ: વલસાડ જિલ્લામાં ભરઉનાળે અચાનક ચોમાસા જેવો માહોલ સર્જાતા અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે કપરાડા, ધરમપુર, પારડી સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાતા અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી છે.
આજ રોજ વહેલી સવારે વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજાએ તોફાની એન્ટ્રી કરતાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. ખાસ કરીને કપરાડા અને ધરમપુરના અંતરિયાળ વિસ્તારોમાં ભારે વરસાદ પડતાં રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા.
એક તરફ લાંબા સમયથી પડી રહેલી ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી છે, તો બીજી તરફ ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. કમોસમી વરસાદના કારણે વલસાડની પ્રસિદ્ધ હાફુસ અને કેસર કેરીના પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. પાક તૈયાર થવાના સમયે આવેલા વરસાદથી ફળ ખરી પડવાની તેમજ ગુણવત્તા પર અસર થવાની શક્યતા હોવાથી ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે.
ભરઉનાળે પડેલા આ માવઠાએ સામાન્ય જનજીવનને ઠંડક આપી છે, પરંતુ ખેતી અને બાગાયતી પાક માટે નવી મુશ્કેલીઓ ઊભી કરી છે. હાલ ખેડૂતો વરસાદના પ્રભાવનું મૂલ્યાંકન કરી રહ્યા છે અને આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તેના પર સૌની નજર મંડાઈ છે.




