
અમદાવાદને મળ્યા નવા મેયર : હિતેશ બારોટના નામ પર ભાજપે લગાવી મહોર હિતેશ બારોટ ભાજપના વિશ્વસનીય અને સંગઠનના મજબૂત ચહેરા તરીકે ઓળખાય છે. તેઓ અગાઉ અમદાવાદ મહાનગરપાલિકાની સૌથી મહત્વપૂર્ણ માનાતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પણ સફળ કામગીરી બજાવી ચૂક્યા છે. કોર્પોરેશનની નીતિઓ, વિકાસ કાર્યો અને વહીવટી કામગીરીનો તેમને લાંબો અનુભવ હોવાથી પક્ષે તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ નવા હોદ્દેદારોના નામોના બંધ કવર લઈને AMC ઓફિસે પહોંચ્યા હતા. ભાજપના કોર્પોરેટરો અને નેતાઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. મોટાભાગના કોર્પોરેટરો AMTS બસમાં એકસાથે AMC પહોંચ્યા હતા, જેના કારણે રાજકીય માહોલમાં અનોખી ઝલક જોવા મળી હતી.

ભાજપ સંગઠન દ્વારા શહેરના વિવિધ વોર્ડના આશરે 30 જેટલા કોર્પોરેટરોનો સંપર્ક કરી તેમને ફોર્મ ભરવા માટે સૂચના આપવામાં આવી હતી. સંગઠન દ્વારા નક્કી કરાયેલી આંતરિક પ્રક્રિયા મુજબ અલગ અલગ ઝોન અને વોર્ડમાંથી કુલ 21 જેટલા સભ્યો પાસેથી દાવેદારીના ફોર્મ ભરાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.