અમદાવાદમાં સ્ટેન્ડિંગ કમિટીને લઈને રાજકીય ગરમાવો, ચેરમેન પદ માટે અનેક નામોની ચર્ચા



અમદાવાદમાં સ્ટેન્ડિંગ કમિટીને લઈને રાજકીય ગરમાવો, ચેરમેન પદ માટે અનેક નામોની ચર્ચા



અમદાવાદ :અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે સત્તાના કેન્દ્ર સમાન ગણાતી સ્ટેન્ડિંગ કમિટીની રચનાને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત 12 સભ્યોની પસંદગી માટે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
માહિતી મુજબ ભાજપ સંગઠન દ્વારા શહેરના વિવિધ વોર્ડના આશરે 30 જેટલા કોર્પોરેટરોનો સંપર્ક કરી તેમને ફોર્મ ભરવા માટે સૂચના આપવામાં આવી હતી. સંગઠન દ્વારા નક્કી કરાયેલી આંતરિક પ્રક્રિયા મુજબ અલગ અલગ ઝોન અને વોર્ડમાંથી કુલ 21 જેટલા સભ્યો પાસેથી દાવેદારીના ફોર્મ ભરાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
હવે આ 21 નામોમાંથી 12 સભ્યોની પસંદગી કરવામાં આવશે, ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટીના અંતિમ સભ્યોના નામ જાહેર થશે. ખાસ કરીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે અને ચાર જેટલા દાવેદારોના નામો હાલમાં સૌથી વધુ ચર્ચામાં હોવાનું માનવામાં આવે છે.
બીજી તરફ અમદાવાદ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર તેમજ અન્ય મહત્વપૂર્ણ પદાધિકારીઓના નામ આવતીકાલે જાહેર થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભાજપ સંગઠન દ્વારા તમામ નામો પર અંતિમ મંજૂરી માટે મથામણ તેજ બની હોવાનું રાજકીય સૂત્રો જણાવી રહ્યા છે.




